25 MLD ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં નવા પંપિંગ સ્ટેશન સાથે પાઇપલાઇન નેટવર્ક પણ વિકસાવવામાં આવશે
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારની પાણી કાયમી સમસ્યાનો સુખદ અંત આવે તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં મોરબી મહાનગરપાલિકાએ પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ યોજનાને રૂ.40 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. જેમાં 25 MLD ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં નવા પંપિંગ સ્ટેશન સાથે પાઇપલાઇન નેટવર્ક પણ વિકસાવવામાં આવશે. આ યોજનાથી પાનેલી તળાવમાંથી સામાકાંઠે પાણી વિતરણ કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાના દીપાલીબેન જણાવ્યા અનુસાર મોરબીના પાનેલી ગામના તળાવ આધારિત નવો શુદ્ધિકરણ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ સાથે 25 MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રેપીડ ગ્રેવીટી સેન્ડ ફિલ્ટર દ્વારા ગતિશીલ રીતે પાણી શુદ્ધિકરણ, 25 MLD ગ્રાઉન્ડ સર્વિસ રિસર્વર, પાણીના સંગ્રહ માટે પ્લાન્ટ માટે ઓવરહેડ બેકવોશ ટેન્કની સુવિધા, વર્ટિકલ ટર્બાઇન પમ્પ સાથે પેનલ, સમગ્ર પ્રોજેક્ટ સ્કાડા ટેકનોલોજીથી ઓટોમેટિક કરવામાં આવશે. સાથે તમામ બિલ્ડીંગ તથા આંતરિક લાઇટિંગ સૌરઉર્જા આધારિત ગ્રીન એનર્જી સુવિધા સજ્જ કરવામાં આવશે.
પાનેલી ગામનું તળાવ રાજવીકાળનું ઐતિહાસિક છે. આ તળાવમાં અંદાજે 200 MCFT પાણીનો જથ્થો સમાય શકે એમ છે. અગાઉ એટલે નર્મદા યોજના પહેલા મોરબીના સામાકાંઠા વિસ્તારોમાં જ પાનેલી ગામના તળાવનું પાણી આપવામાં આવતું હતું. ત્યારે હવે ફરીથી આ તળાવનો સામાકાંઠા વિસ્તારને લાભ મળશે..આ પ્રોજેકટના મુખ્ય હેતુઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પૂરતો શુધ્ધ પાણી પુરવઠો, પાણીની બચતનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ આધુનિક મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સાધનો પણ લગાડવામાં આવ્યા છે.
શહેરી વિસ્તારની વધતી વસ્તી અને ઔદ્યોગિક વિસ્તરણને ધ્યાને રાખીને મોરબી માટે શહેરના પૂર્વ ભાગમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યો છે. આ યોજનાથી પાણીની તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે. મોરબી શહેરના પૂર્વ ભાગના હજારો નાગરિકોને શુદ્ધ પીવાના પાણીનો સીધો લાભ મળશે.