Thursday - Apr 23, 2026

પાન-માવાની કુટેવે મહિલાના સુખી સંસારમા આગ લગાડી : પતિના ત્રાસથી કંટાળી ઘરેથી ચાલી નીકળી

પાન-માવાની કુટેવે મહિલાના સુખી સંસારમા આગ લગાડી : પતિના ત્રાસથી કંટાળી ઘરેથી ચાલી નીકળી

સુરેન્દ્રનગરમાં સાસરું અને મોરબીમાં પિયર ધરાવતી મહિલાનું 181 અભયમે સુખદ સમાધાન કરાવ્યું

મોરબી : પાન-માવા મસાલા ખાવાની કુટેવથી આરોગ્યને વ્યાપણપણે નુકસાન થાય જ છે. પણ આ વ્યસન કોઈના અંગત જીવનમાં આગ લગાડી પણ શકે છે એવો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં સાસરું અને મોરબીમાં પિયર ધરાવતા મહિલાને પાન-માવા મસાલા ખાવાની કુટેવને કારણે તેના સુખી સંસાર આગ લાગી હતી. આ વ્યસનને કારણે તેનો પતિ મારકુટ કરતો હોય તેમજ માનસિક ત્રાસ આપતો હોવાથી આ ત્રાસથી કંટાળીને મહિલા ઘરેથી ચાલી નીકળી હતી અને રખડતા ભટકતા મોરબી આવ્યા બાદ એક સજ્જન વ્યક્તિએ અભયમ 181 ટીમનું ધ્યાન દોરતા અભયમ ટીમે આખો મામલો સંભાળી લીધો હતો અને સમજવટથી કામ લઈને બન્ને પતિ પત્ની વચ્ચે સુમેળ કરવી તેમનો ઘર સંસાર ફરીથી મહેકાવ્યો હતો.

મોરબીના સમાકાંઠે આવેલી ખાનગી નજીક બાલા હનુમાન મંદિર પાસેથી એક સજ્જન વ્યક્તિ પસાર થઈ રહ્યો હોય ત્યારે ત્યાં  એકદમ ગુમસુમ અને ગભીરાયેલી હાલતમાં બેઠેલા એક મહિલા પર પડી હતી. આથી આ મહિલાની વેદના પરથી.પરિસ્થિતિ પામીને તાબડતોબ એ વ્યક્તિએ 181 અભયમ ટીમને જાણ કરી આ મહિલાની મદદે આવવાનો પોકાર કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ 181 અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ દેવકરણભાઈ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રથમ મહિલાને સાંત્વના આપી સમજવટથી કાઉન્સેલિંગ કરીને તેની સમગ્ર પરિસ્થિતિ જાણી હતી. જેમાં મહિલાએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, તે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સાસરું અને મોરબીમાં પિયર ધરાવે છે. તેના લગ્નને 25 વર્ષ થયા પણ તેને પાન-માવો મસાલો ખાવાની કુટેવ છે. જેના કારણે પતિ સાથે વારંવાર ઘર્ષણમાં ઉતરીના નાના મોટા કજિયા કંકાસથી તેનો ઘરસંસાર સુખીને બદલે દુઃખી દુઃખી થઈ ગયો હતો. એટલું જ નહિ પતિ વારંવાર હાથ ઉપડતો હોય અને માનસિક ત્રાસ આપતો હોવાથી કંટાળીને તેણીએ ઘર છોડી દીધું હતું.

પિયર સાથે પણ અણબનાવ હતો

પતિ છેલ્લા 10 વર્ષથી નાની-નાની વાતોમાં, ખાસ કરીને મહિલાની મસાલો ખાવાની ટેવ બાબતે અવારનવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ હોવાથી તે એક સપ્તાહથી કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ચોટીલા, દ્વારકા અને બાદમાં મોરબી આવ્યા હતા. મોરબીમાં પિયર હોય પણ પિયર જઈ શકે એમ ન હતા. કારણ કે, અગાઉના ઝઘડાઓને કારણે તેઓ સાત વર્ષથી પિયર આવતા ન હોય અંતે અભયમ ટીમે મહિલાના ભાઈનો કોન્ટેક કરી પિયર પક્ષને સમજાવી પિયર પક્ષ સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું. એટલું જ નહિ અભયમ ટીમે તેમના પતિનો ફોન ઉપર સંપર્ક કરી હવે પછી હાથ ઉપાડ્યો તો જેલની સજા ભોગવવા તૈયાર રહેવાનું કહી કાયદાકીય ભાષામાં કડક રીતે સમજાવ્યા હતા. તેમજ મહિલાને પણ વ્યસનથી દૂર રહેવા સમજાવીને યોગ્ય માર્ગદર્શન કર્યું હતું. બાદમાં સુરેન્દ્રનગરથી તેમના પતિ આવતા મહિલાનો તેમની સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો.