Thursday - Apr 23, 2026

મોરબીમાં અમે તારી પાસે 30000 માંગીએ છીએ કહી દુકાને આવેલા બે શખ્સોએ અંતક મચાવ્યો

મોરબીમાં અમે તારી પાસે 30000 માંગીએ છીએ કહી દુકાને આવેલા બે શખ્સોએ અંતક મચાવ્યો

અન્ય એક વ્યક્તિને કારથી ટક્કર મારી, ઘટના CCTVમાં કેદ : એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રે વાવડી ગામે કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો. કુળદેવી બેકરી ચલાવતા વેપારીને પૈસાની લેતીદેતી બાબતે ગાળો આપી દુકાન બંધ કરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે મોડી રાત્રે સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.

આ બનાવ અંગે મયુરીબેન દિલીપભાઈ રૂપાલા દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ સવસેતા અને જગદીશ ઉર્ફે જાગો સવસેતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન આરોપીઓએ અન્ય એક વ્યક્તિ પર ગાડી પણ ચડાવી દીધી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 332, 351(3), 308(5) અને 54 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મયુરીબેન દિલીપભાઈ રૂપાલાએ બનાવ અંગે જણાવ્યું કે આ શખ્સો દુકાને આવીને ગાળો બોલવા માંડ્યા અને દુકાન બંધ કરવાનું કહ્યું હતું. મારા દીકરા જીતને તેઓએ એવુ કહ્યું કે અમે તારી પાસે 30000 માંગીએ છીએ. અમે જવાબમાં કહ્યું કે વહીવટ તો પૂરો કરી નાખ્યો છે. તેઓએ એવું કહ્યું કે અમે નિખિલ પાસે માંગીએ છીએ. તેઓએ અહીં એક વ્યક્તિને કારથી ટક્કર પણ મારી હતી. આ શખ્સોએ ત્રીજી વાર આવું કર્યું છે. આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેનો વરઘોડો કાઢવો જોઈએ.

આ મામલે નિખિલ અશોકભાઈ વામજાએ કહ્યું કે "બનાવની તો મને કઈ ખબર જ નહોતી હું તો ઘરે હતો. મને કુળદેવી બેકરીએથી ફોન આવ્યો. અમે પૈસા આપી દીધેલા હોવા છતાં મારી પાસેથી માંગે છે અને વારંવાર ધમકી આપે છે. 3 મહિના પહેલા મહેશભાઈએ મને અને મારા પપ્પાને બહુ માર્યા હતા. અમે પૈસા દઈ દીધા છે તોય ઈ લોકો માંગે છે. અત્યારે તો મહેશભાઈ અને જગદીશભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે. હવે આનો વરઘોડો નીકળે એવી જ આશા છે."