સંસ્થા દ્વારા બાળકીની આંખની તપાસ કરાવી દર 3 મહિને દવા અને સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવાઈ
મોરબી : મોરબીની સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. એક જરૂરિયાતમંદ પરિવારની બાળકી કે જેને દૃષ્ટિની ગંભીર સમસ્યા હતી, તેને સંસ્થા દ્વારા જરૂરી તબીબી મદદ પૂરી પાડવામાં આવી છે. આ બાળકીને દિવસ દરમિયાન થોડું ઝાંખું દેખાતું હતું અને રાત્રિના સમયે તેની દૃષ્ટિ સાવ જતી રહેતી હતી.
પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મુસ્કાન વેલફેર સોસાયટીએ મદદનો હાથ લંબાવ્યો હતો. સંસ્થા દ્વારા બાળકીને આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી અને જો જરૂર પડે તો ઓપરેશનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની પણ તૈયારી દર્શાવી હતી. પરંતુ ડૉક્ટરે તપાસ બાદ જણાવ્યું હતું કે આ બીમારીનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી, જો કે યોગ્ય સારવાર અને દવાઓ દ્વારા આ બીમારીને વધુ ફેલાતી અટકાવી શકાય તેમ છે. ડૉક્ટરની સલાહ મુજબ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તુરંત જ બાળકીને જરૂરી દવાઓ અને આંખના ડ્રોપ્સ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાળકીની આંખની સ્થિતિ વધુ ન બગડે અને તેને રાહત રહે તે માટે દર 3 મહિને આ સારવાર ચાલુ રાખવાની અને તેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ સંસ્થાએ સ્વીકારી છે. મુસ્કાન વેલફેર સોસાયટીના આ માનવતાભર્યા કાર્યથી જરૂરિયાતમંદ પરિવારને મોટી રાહત મળી છે.