Monday - Apr 27, 2026

હડમતિયામાં કાલથી પાલણપીરનો મેળો શરૂ : દંપતીઓના ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાનો અનોખો રિવાજ

હડમતિયામાં કાલથી પાલણપીરનો મેળો શરૂ : દંપતીઓના ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાનો અનોખો રિવાજ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલા પૂજ્ય પાલણપીરની મેડીએ દર વર્ષે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયારસના દિવસોમાં ભવ્ય મેળો યોજાય છે. આ પૌરાણિક મેળો બારમતી સંપ્રદાયના અનુયાયીઓ અને મેઘવાળ સમાજની આસ્થાનું પ્રતીક છે, જેમાં હજારો લોકો ભક્તિભાવ સાથે ભાગ લે છે. આ મેળાનું અનોખું આકર્ષણ એ લગ્ન થયેલા દંપતીઓના ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાનો પરંપરાગત રિવાજ છે. પૂજ્ય પાલણપીર, જેમણે ‘બારમતી સંપ્રદાય’ની સ્થાપના કરી, પોતાની વેદવાણીથી સમાજને પ્રેરણા આપી. દાદા એ સંવત 1144ના ભાદરવા સુદ ચોથના દિવસે સમાધિ લીધી હતી. પરંતુ 50 ભક્તોના 21 દિવસના નકોરડા ઉપવાસ અને આરાધના બાદ ભાદરવા વદ નોમના દિવસે પાલણપીર પુનઃ પ્રગટ થયા અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ ઘટનાની સ્મૃતિમાં ભાદરવા સુદ ચોથથી વદ નોમ સુધી 21 દિવસ ઉપવાસ અને ત્યારબાદ સાડા ત્રણ દિવસનો મેળો યોજાય છે.

લોકો આઠમથી જ વાંકાનેર નજીકના જડેશ્વર મંદિરે એકઠા થાય છે અને નોમના દિવસે હડમતિયા પગપાળા જાત્રા શરૂ કરે છે. રસ્તામાં પરોળ ખાતે શ્રદ્ધાળુઓ સફેદ પથ્થર વીણે છે, જેની સાથે સતયુગની સ્થાપનાની માન્યતા જોડાયેલી છે. સાંજે મેડીએ પહોંચીને ઉપવાસીઓ ધૂપ-ધ્યાન કરી પારણું કરે છે અને વેદવાણીનું રસપાન કરે છે. દશમના દિવસે શ્રદ્ધાળુઓ કપુરીયા કુંડમાં સ્નાન કરી પાપમુક્તિ મેળવે છે અને સરગ પાવડીએ જઈ મુક્તિનો માર્ગ માગે છે. અગિયારસના દિવસે ઢોલ-નગારા સાથે પુન: લગ્નવિધિ યોજાય છે, જ્યાં ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાનો રિવાજ નિભાવાય છે. આ લગ્નવિધિ બાદ શ્રદ્ધાળુઓ હડમતિયા ગામના પાદરમાં માત્રાપીરે લાવેલી બે ખાંભીઓની પરિક્રમા કરી મેડીએ પાછા ફરે છે, જેની સાથે આ ધર્મયાત્રા પૂર્ણ થાય છે.આ મેળો સંપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં ઉજવાય છે, જ્યાં લોકો સહપરિવાર રાવટી નાખી, જાતે ભોજન બનાવી, નૈસર્ગિક વાતાવરણમાં રહે છે. રાત્રે પાલણપીરના સમાધિ સ્થાને વેદવાણીનું ગાન થાય છે, જેમાં આદર્શ જીવન અને ભવિષ્યની આમગવાણી નો સમાવેશ થાય છે. આ વાણીઓ, જેમ કે “આભમાં વિમાન હાલશે” અને “વણ જોતર્યા ગાડા હાલશે,” આજે સાચી પડી ચુકી છે.

આ કાર્યક્રમ પગલે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે કે, તારીખ 16 થી 19 સપ્ટેમ્બર સુધી લજાઈ ચોકડીથી હડમતિયા ગામ અંદર આવતા ભારે વાહનો તથા વાંકાનેરથી જડેશ્વર થઈ હડમતિયા આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહી. જેનો વૈકલ્પિક માર્ગ લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો મિતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર, વાંકાનેર શહેર તરફ જઈ શકશે. લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો શકત શનાળાની રાજપર ચોકડી થી ધુનડા(સ), સજજનપર, જડેશ્વર, રાતીદેવડી, વાંકાનેર શહે૨ ત૨ફ જઈ શકશે.