ડેમના પાટિયાના પિલર નબળા પડતા તમામ 18 દરવાજા ખુલ્લા રખાતા વરસાદમાં પાણીનો સંગ્રહ ન થવાથી ડેમ હેઠળના ગામોમાં દિવાળી બાદ પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ
મોરબી : મોરબી તાલુકાનો ડેમી-3 ડેમ હાલ ખાલીખમ છે. ત્યારે આ ડેમ ઉપર નિર્ભર મોરબી તાલુકાના પાંચેક ગામો સિંચાઈ અને પીવાના પાણી માટે રામભરોસે બન્યા છે. અહીં દિવાળી બાદ જ પાણીની સમસ્યા શરૂ થઈ જવાની વકી છે. તેવામાં હવે તંત્ર પાણીની શુ વ્યવસ્થા કરે છે તેના ઉપર સૌની મીટ છે.
મોરબીના કોયલી ગામ પાસે આવેલો ડેમી-3 ડેમ હાલ સંપૂર્ણ ખાલી છે. જીલ્લાના અનેક ડેમો ઓવરફ્લો થયા છે. પણ આ ડેમના પાટિયાના પિલર નબળા હોવાથી સલામતીને ધ્યાનમાં રાખી તમામ દરવાજા ખુલ્લા રાખી દેવાયા છે. જેથી આ ડેમમાં પાણીનો સંગ્રહ જ થઈ શક્યો નથી. આ અંગે રામગઢના સરપંચ નિતેશભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું કે ડેમ વર્ષ 2001માં બન્યો હતો. ડેમ નબળો પડી જતા આ વર્ષે ભરવામાં આવ્યો નથી. આ ડેમ ઉપર ચાચાપર, ખાનપર, રામગઢ, કોયલી, ક્રુષ્ણનગર, નેસડા સહિતના ગામો નિર્ભર છે. હવે દિવાળી પછી પાણીની સમસ્યા ઉદ્દભવશે. ગામમાં પીવાના પાણીની તકલીફ પડશે. શિયાળુ પાક ખેડૂતો પાણી વગર લઈ શકશે નહીં. ઉપરાંત ઢોરને પીવડાવા માટે પાણીના ફાફા પડશે.
ડેમના અધિકારી અંકિત ભોરણીયાએ જણાવ્યું કે ડેમી-3નું 2023માં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ ટેસ્ટિંગ ઉપર મોકલવામાં આવ્યા હતા. બાદમાં માલુમ પડ્યું કે આ ડેમના ગેટને સપોર્ટ કરનાર પિયર એટલે સરળ ભાષામાં કહીએ તો જે પિલર છે તે નબળા પડી ગયા છે. અત્યારે પિલરની સ્ટ્રેન્ધ ડિઝાઇન મુજબ નથી. જેથી કોઈ જોખમ ન સર્જાય એટલા માટે તમામ 18 ગેટ ખુલ્લા રાખેલા છે. આ ડેમના કામ માટે કમિટી બનેલ છે. જેની પ્રક્રિયા ચાલુ છે. આગામી સમયમાં હવે શું પગલાં લેવા તે અંગેનો અંતિમ નિર્ણય લેવાશે. તે નિર્ણય મુજબ કામગીરી થશે.