ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ એટલે જન્માષ્ટમી મહોત્સવ નજીક આવતા નંદ ઘેર આનંદ ભયો.. અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી..ના નાદ મોરબી ષહેર ગોકુળિયું ગામ બની જશે. તમામ લોકો મોરબીને ગોકુળધામ બનાવી ભગવાન શ્રી કૃષ્ણ મય બની જશે. જન્માષ્ટમી નીમિતે ઠેરઠેર રથયાત્રા અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના રાજપર ગામ ખાતે તા.26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા અને વનાભાઈ ભરવાડ તેમજ તેમના રાસ મંડળ સાથે રાસ ગરબા અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. જુના રાજપર ગામના રામજી મંદિરેથી સવારે 7 કલાકે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે.અને નવા ગામમાં 7-30 વાગ્યે જન્માષ્ટમીની શોભાયાત્રાનું સામૈયું કરવામાં આવશે.શોભાયાત્રા બાદ નવા ગામમાં રામજી મંદિરના ચોકમાં સવારે 8-30 કલાકે રસ મંડળીની જમાવટ અને મટકી ફોડ કરીને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવશે.જ્યારે તમામ ગ્રામજનો શોભાયાત્રા સાથે 9-45 કલાકે નવા ગામના રામજી મંદિરથી જુના ગામના રામજી મંદિરમાં પ્રસ્થાન કરશે. જ્યાં વાજતે ગાજતે સામૈયું કરવામાં આવશે.બાદમાં રાસ ગરબાની રમઝટ અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આ કાર્યક્રમમાં સર્વ ધર્મપ્રેમી જનતાને જોડાવવાનું ભાવભીનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.