એક જ મંડપ નીચે કલમાં પઢી નિકાહ અને શાસ્ત્રોક્ત વિધીથી યુગલો લગ્નગ્રંથિથી જોડાશે
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા આગામી તા. 30 નવેમ્બરે કોમી એકતાની અનોખી મિશાલ સમાન 27માં હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. એક જ મંડપ નીચે કલમાં પઢી નિકાહ અને શાસ્ત્રોક્ત વિધીથી યુગલો લગ્નગ્રંથિથી જોડાવવાના હોય આ અદ્દભુત કાર્યક્રમો બન્ને સમાજના ધર્મગુરુઓ અને તમામ ક્ષેત્રેના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બન્ને કોમના લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી આ લગ્નોત્સવ દિવાળી અને ઈદ જેવો ઉત્સવ બની રહેશે.
હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્ન મહોત્સવમાં જોડાવવા માટે 51 હિન્દુ તથા 51 મુસ્લિમ એમ કુલ 102 નવ દંપતિઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે.. જેમાં એક જ મંડપ નીચે હિન્દુ પરંપરા અનુસાર મંગલફેરા તથા મુસ્લિમ પરંપરા અનુસાર નિકાહ કલમાં પઢી બંને વિધિઓ સાધુ-સંતો, ફકીરો અને વિવિધ ધર્મગુરુઓની હાજરીમાં પૂર્ણ થશે. આ રીતે “એક મંડપ – બે પરંપરા”ના સ્વરૂપે મોરબી ફરી એક વાર કોમી એકતાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડશે. આ પવિત્ર કાર્યની શરૂઆત મોરબીના સર્વધર્મ સમાન અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સૈયદ હાજી એહમદ હુસેન મીયા બાપુ કાદરીએ કરી હતી. છેલ્લા 26 વર્ષથી આ સમૂહલગ્ન સતત યોજાતા આવ્યા છે અને અનેક નવદંપતિઓએ અહીંથી નવા જીવનની શરૂઆત કરી છે. સમાજના ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવાર માટે આ આયોજન આશીર્વાદ સમાન છે, સંસ્થા તરફથી દંપતિઓને ઘરગથ્થુ સામાન તથા જરૂરી જીવનોપયોગી વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવે છે. રાજકીય, સામાજિક, ધાર્મિક તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત અનેક મહાનુભાવો દર વર્ષે આ અનોખા કાર્યક્રમમાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારાના સંદેશને આગળ ધપાવે છે. બાવા એહમદશાહ ગ્રુપના જણાવ્યા મુજબ આ સમૂહલગ્નમાં ભાગ લેવા ઈચ્છુક દુલ્હા-દુલ્હન, વર-કન્યાએ સમયસર પોતાના લગ્ન ફોર્મ મેળવી તથા પૂર્ણ કરી સંસ્થાને જમા કરવા ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ, સિપાઈ વાસ, મોરબી,બચુભાઈ ચાનીયા મેઇન રોડ, મોરબી, મહેશભાઈ હોટલ ડિલક્સ, નહેરુગેટ પાસે, કે.બે.બેકરીની બાજુમાં, મોરબીનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.