વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિના દશાબ્દી વર્ષ નિમિત્તે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ઉમા હોલ ખાતે કથા યોજાશે
મોરબી : વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો), મોરબી દ્વારા સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે તા. 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન ત્રણ દિવસીય શ્રી કૃષ્ણ કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરરોજ રાત્રે 8:30 વાગ્યે રવાપર સ્થિત ઉમા હોલ (શિવ મંદિર સામે) ખાતે યોજાશે.
કથાનું વક્તવ્ય પ્રસિદ્ધ દર્શનાચાર્ય આચાર્ય અજયજી આર્ય આપશે. તેઓ શ્રીકૃષ્ણના દિવ્ય જીવનચરિત્ર, ભગવદ્ ગીતાના સિદ્ધાંતો, ધર્મ, કર્તવ્ય, જીવનમૂલ્યો તેમજ આધુનિક જીવનની વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલો અંગે સરળ અને જીવનોપયોગી માર્ગદર્શન આપશે. ઉપરાંત સામાજિક, પારિવારિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય જીવનમાં શ્રીકૃષ્ણના આદર્શોને કેવી રીતે આત્મસાત કરી શકાય તે અંગે પણ પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નિયમિત વૈદિક યજ્ઞો અને વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે યોજાનારી આ શ્રી કૃષ્ણ કથા આધ્યાત્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસાર માટે મહત્વપૂર્ણ બની રહેશે. આ આયોજનમાં આર્ય સમાજ (દક્ષિણ)–મોરબી અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી સહયોગી તરીકે જોડાયા છે. આયોજકોએ મોરબી શહેર તથા આસપાસના ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.વધુ વિગતો માટે ૯૮૮૬૩ ૨૦૨૩૩ પર સંપર્ક કરવાનું જણાવાયું છે.