સચિન કોટેચાએ પ્રમુખ, અલ્પેશ પુજારાએ સચિવ અને જશવંત મીરાણીએ ખજાનચી તરીકે શપથ લીધા; સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત
મોરબી : લાયન્સ ઇન્ટરનેશનલ અંતર્ગત કાર્યરત મોરબીની અગ્રણી સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગનો 47મો શપથવિધિ સમારંભ 'સમર્પણ' થીમ સાથે હરભોલે બેન્કવેટ હોલ ખાતે યોજાયો હતો. સમારંભમાં નવા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કરી આગામી વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સમારંભમાં ડિસ્ટ્રિક્ટ 3232Jના ડી.સી. (વિઝન) લાયન પ્રદીપભાઈ ભુવાએ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અને ડી.સી. (આઈ.ટી.) લાયન ધીરજલાલ આદ્રોજાએ ઇન્ડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. મુખ્ય અતિથિ તરીકે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પી.એમ.જે.એફ. ચંદ્રકાંતભાઈ દફતરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જી.એ.ટી. ટીમના જી.એમ.એ. કોઓર્ડિનેટર લાયન એમ.જે.એફ. તુષારભાઈ દફતરી, મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈ, ઝોન-5ના ઝોન ચેરમેન લાયન કુતુબભાઈ ગોરૈયા તેમજ લિયો ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લિયો દીપભાઈ મણિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વર્ષ 2026-27 માટે લાયન સચિનભાઈ કોટેચાએ પ્રમુખ, લાયન અલ્પેશભાઈ પુજારાએ સચિવ અને લાયન જશવંતભાઈ મીરાણીએ ખજાનચી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રસંગે નિવૃત્ત પ્રમુખ લાયન દિનેશ વિડજાએ પોતાના કાર્યકાળ દરમિયાન ક્લબ દ્વારા હાથ ધરાયેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જ્યારે નિવૃત્ત સચિવ લાયન પિયુષભાઈ સાંજાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. વર્ષ દરમિયાન સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સભ્યોને લાયન દિનેશભાઈ વિડજાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવનિયુક્ત પ્રમુખ લાયન સચિનભાઈ કોટેચાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવામાં આવશે તેમજ સમાજલક્ષી નવા પ્રકલ્પો દ્વારા ક્લબને વધુ ઊંચાઈએ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સચિવ લાયન અલ્પેશભાઈ પુજારાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.