ટંકારા: આર્ય સમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ દ્વારા છેલ્લા 42 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ‘ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધા’*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 25 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ ગરબી ચોક, શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટી, ટંકારા ખાતે યોજાશે.
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અમર શહીદોની શહાદતને સ્મરણીય બનાવવા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશથી આ સૂરમય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે આ વખતે મોરબી જિલ્લાકક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી પણ ટંકારામાં યોજાનાર હોવાથી સમગ્ર પંથકમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ સ્પર્ધા બે વય કેટેગરીમાં યોજાશે. પ્રથમ કેટેગરી 15 વર્ષ સુધીના બાળકો માટે અને બીજી કેટેગરી 15 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. રસ ધરાવતા સ્પર્ધકોએ તા. 16 જાન્યુઆરી 2026 સુધીમાં આર્ય સમાજ (ત્રણ હાટડી), ટંકારા આર્ય ડેરી ફાર્મ, ટંકારા ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે ભાવિનભાઈ ગઢવી (મો. 97249 72472) અથવા રિતેશભાઈ પડસુંબિયા (મો. 93130 03454)નો સંપર્ક કરી શકો છો.
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જ્યાં દેશની આઝાદી અને સ્વરાજનું પ્રથમ ઉચ્ચારણ કર્યું હતું, એવા ટંકારાના પાવન આંગણે યોજાનાર આ કાર્યક્રમમાં જોડાવા આર્યવીર દળ દ્વારા સમગ્ર તાલુકાવાસીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વર્ષે ટંકારા આર્ય સમાજ સ્થાપનાના 100 વર્ષની શતાબ્દી ઉજવણી પણ યોજાનાર છે.