પોલીસે તાત્કાલિક અસરથી ગુનો નોંધી દુષ્કર્મ કરનાર બે હેવાનોને ઝડપી લીધા
મોરબી : મોરબીમાં એક મોટી લાંછનરૂપ ઘટના સામે આવી છે. જેમાં બે નરાધમોએ હેવાનીયતની હદ વટાવીને એક સેવાભાવી સંસ્થામાં બારી તોડી અંદર ઘુસી બે અસ્થિર મગજની મહિલાઓની આબરૂ લૂંટી છે. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. જો કે પોલીસે બન્ને નરાધમોને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં એક સેવાકીય સંસ્થામાં બે અસ્થિર મગજની બે મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો હતો. આ સંસ્થામાં તેની દેખભાળ કરી સેવા ચાકરી કરવામાં આવી રહી હતી. ત્યારે બે હેવાનોએ આ સંસ્થાની 8 ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. દીવાલની ઉપર કાચ લગાવેલા હતા. તે કાચ તોડી તેઓએ દીવાલ પાર કરી હતી. ત્યારબાદ તેઓ બાથરૂમની બારી તોડી રૂમમાં પ્રવેશ્યા હતા. ત્યાં રૂમમાં તેઓએ અસ્થિર મગજની બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજરવાનો જધન્ય અપરાધ કર્યો હતો. આ બે મહિલાઓમાં એક યુવતી અને એક વૃદ્ધા હતા. આ ઘટનાથી મોરબીમાં નરાધમો પર ભારે ફીટકારની લાગણી વ્યાપી ગઇ છે. આ ઘટના અંગે સંસ્થા દ્વારા પોલીસને જાણ કરતાની સાથે જ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટિમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં તપાસમાં ડાયા ખાના અને હરેશ જીવાનું નામ ખુલતા પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.