મોરબી : મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ) શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગ રૂપે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (ડે-એન.યુ.એલ.એમ.) હેઠળ કાર્યરત સખી મંડળની બહેનો તેમજ યોજનાકીય લાભાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમો યોજાશે.
તારીખ 27/12/2025 ના રોજ બપોરે 3 કલાકે મોરબી મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફિસ (રેન બસેરા) ખાતે આ કાર્યક્રમ યોજાશે. યુ.સી.ડી. શાખા દ્વારા આ દિવસે વાનગી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાની સ્પર્ધા એમ એક દિવસીય ત્રણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તેવા હેતુથી હેન્ડીક્રાફ્ટ, ઇમિટેશન જ્વેલરી, અને માટી કળા આધારિત પ્રવૃત્તિઓ માટે રોજગારલક્ષી એક દિવસીય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શહેર આજીવિકા કેન્દ્ર મારફત નોંધાયેલ લાભાર્થી બહેનો માટે રોજગારીની તકો ઊભી કરશે.
સ્પર્ધાઓ તથા કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક બહેનોએ 2 દિવસમાં નીચે મુજબના સ્થળ પર પોતાના મોબાઇલ નંબર મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વધુ જાણકારી અને રજીસ્ટ્રેશન માટે યુ.સી.ડી. શાખા, મોરબી મહાનગરપાલિકાની કચેરીના મોબાઇલ નંબર 9726501810 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ કાર્યક્રમ શહેરી મહિલાઓના કૌશલ્યને નિખારવા અને આજીવિકાના સાધનો પૂરા પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે.