રેલવેની કામગીરીને કારણે આજે 25થી કાલે 26 સપ્ટેમ્બરની રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે, વૈકલ્પિક માર્ગ અપાયો
મોરબી : મોરબી- બરવાળા રોડ પર રેલવે સ્ટેશન નજીક આવેલું રેલવે ફાટક રેલવેની કામગીરીને કારણે આજથી બે રાત માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવાનું કલેકટર દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું છે. જેમાં રેલવે દ્વારા ફાટક પર કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ ફાટક બે દિવસ સુધી વાહન વ્યવહારની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી જિલ્લા તંત્ર દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેકટરના હુકમ મુજબ આજે તા.25 સપ્ટેમ્બરની રાત્રે 10 વાગ્યાથી તા.26 સપ્ટેમ્બરની સવારે 6 વાગ્યા સુધી અને તા.26 સપ્ટેમ્બરની રાત્રે 10 વાગ્યાથી તા.27 સપ્ટેમ્બરની સવારે 6 વાગ્યા સુધી મોરબી- બરવાળા રોડ પર રેલવે સ્ટેશન નજીક આવેલું રેલવે ફાટક વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. આથી તંત્ર દ્વારા વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ માટે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી બાયપાસ તરફ જતાં વાહનચાલકો મોરબી રેલવે સ્ટેશનથી સુપર ટોકીઝ, મહેન્દ્રપરા મેઈન રોડ થઈ વાવડી રોડ મારફતે બાયપાસ રોડ તરફ જઈ શકશે.
જ્યારે રેલવે સ્ટેશન તરફ આવવા માટે મોરબી બાયપાસ રોડથી વાવડી રોડ, મહેન્દ્રપરા મેઈન રોડ, જડેશ્વર મંદિર થઈ મોરબી રેલવે સ્ટેશન તરફનો માર્ગ ઉપયોગમાં લઈ શકાશે. રેલવેની કામગીરી દરમિયાન વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે અને લોકોને ઓછી હાલાકી પડે તે માટે આ વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા સમય દરમિયાન બંધ કરાયેલા રેલવે ફાટક પરથી વાહનવ્યવહાર કરવાનો પ્રયાસ ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.