બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ સાથે આંગણવાડી વર્કરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
મોરબી : સરકાર દ્વારા આંગણવાડી વર્કરોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. આથી આંગણવાડી વર્કરોએ આ કામગીરીનો જોરદાર વિરોધ કર્યો છે. જેમાં મોરબીના આંગણવાડી વર્કરોએ બીએલઓની કામગીરીનો વિરોધ કરી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે અને આંગણવાડી વર્કરો પહેલેથી જ કામના દબાણ હેઠળ હોય ત્યારે વધારાની આ બીએલઓની ફરજ સોંપવાથી કુપોષિત બાળકો ઉપર અવળી અસર થવાની ભીતિ વ્યક્ત કરી બીએલઓની કામગીરીથી તેમને બાકાત રાખવામાં આવે તેવી માંગ કરી છે.
આવેદનમાં જણાવાયુ હતું કે આંગણવાડી વર્કર તથા હેલ્પરો હાલમાં વધારાની કામગીરીના બોજ તળે મુશ્કેલીનો સામનો કરી રહેલ છે. આ કર્મચારીઓ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના અનેક પ્રકારના મોબાઈલ એપ્લિકેશનથી નિયમ મુજબના કલાકો કરતા પણ મોડી માંજ સુધી કામગીરી કરે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના તાબા તળે હજારોની સંખ્યામાં સરકારી નોકરીયાતો પ્રાપ્ત હોવા છતા આંગણવાડી વર્કરોને ચૂંટણીની બીએલઓ તરીકેની કામગીરી જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે. આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો શ્રમ કરે જ છે પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેવી હાલતમાં જ નથી. એક તરફથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી નાખવાનું, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવા માટેનું સતત દખાણ કરી રહ્યા છે ત્યારે આ વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ ન બની શકે. બાળકો માતાઓ અને કુપોષણ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી હોવાને કારણે નામદાર કોર્ટોએ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આઇસીડીએસ સિવાયની કોઈપણ કામગીરી સોંપવામાં ન આવે તેવા પ્રકારના આદેશો તથા પરિપત્રો કર્યા છે. જેથી બીએલઓની કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ છે.