Friday - Jul 10, 2026

માળિયાના નાના દહીંસરા ગ્રામ પંચાયતની ઇમારત જોખમી, કર્મચારીઓ-ગ્રામજનોના જીવ પર જોખમ

માળિયાના નાના દહીંસરા ગ્રામ પંચાયતની ઇમારત જોખમી, કર્મચારીઓ-ગ્રામજનોના જીવ પર જોખમ

દીવાલોમાં તિરાડો અને નબળી છત વચ્ચે વહીવટી કામગીરી મુશ્કેલ; નવી પંચાયત કચેરી માટે તાત્કાલિક ગ્રાન્ટની માંગ

મોરબી : માળિયા (મિયાણા) તાલુકાના નાના દહીંસરા ગામની ગ્રામ પંચાયત કચેરીની ઇમારત વર્ષો જૂની હોવાથી કાળ ક્રમે ખંડિત થઈ ગઈ હોય એવી કપરી સ્થિતિ સામે આવી છે. આ ગ્રામ પંચાયતની ઇમારત અત્યંત જર્જરિત બની ગઈ હોવાથી કોઈપણ સમયે અઘટિત ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઇમારતની જોખમી હાલતને પગલે કર્મચારીઓ તેમજ રોજિંદા કામકાજ માટે આવતા ગ્રામજનોની સલામતી રામભરોસે થઈ ગઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગામના સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત નવી ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે.

સરપંચે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલની ગ્રામ પંચાયત કચેરીની દીવાલોમાં અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત અને અન્ય માળખાકીય ભાગો પણ નબળા પડી ગયા છે. વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ જોખમી બનતી હોવાથી કચેરીમાં કામગીરી કરવી મુશ્કેલ બની રહી છે. હાલ પણ વરસાદી મોસમ હોવાથી સંભવિત ભારે વરસાદ કે વાવાઝોડામાં આ જર્જરિત ઇમારતથી કોઈ અણધારી ઘટના બને તે પહેલાં નવી ઇમારતનું આયોજન કરવું જરૂરી બન્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

ગામના લોકો જન્મ-મરણના દાખલા, આવકના પ્રમાણપત્ર, વિવિધ સરકારી યોજનાઓ સહિતના પંચાયત સંબંધિત કામો માટે નિયમિત કચેરીએ આવતા હોય ત્યારે સ્થિતિની ગંભીરતા વધી જાય છે. જોકે હાલની જોખમી ઇમારતના કારણે ગ્રામજનોને પૂરતી સુવિધા મળી શકતી નથી અને વહીવટી કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. આથી તેઓએ જિલ્લા વિકાસ અધિકારીને હાલની ઇમારતનું તાત્કાલિક ટેકનિકલ સર્વેક્ષણ કરાવી તેને જોખમી જાહેર કરવાની તેમજ નવી ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે જરૂરી ગ્રાન્ટ મંજૂર કરીને પ્રાથમિક ધોરણે કામગીરી શરૂ કરવાની માંગ કરી છે.