Friday - Jul 10, 2026

મોરબીમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘ભારત કો જાનો’ રાષ્ટ્રીય સ્પર્ધા

મોરબીમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘ભારત કો જાનો’ રાષ્ટ્રીય સ્પર્ધા

ભારતના ઇતિહાસ-સંસ્કૃતિ આધારિત લેખિત અને મૌખિક ક્વિઝ; વિજેતા ટીમને પ્રાંતથી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની તક

મોરબી : ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, રાષ્ટ્રીય મૂલ્યો, મહાન વિભૂતિઓ અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ અંગે જ્ઞાન સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તે હેતુથી મોરબી જિલ્લામાં ‘ભારત કો જાનો’ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા યોજાનારી આ સ્પર્ધા માટે વિવિધ શાળાઓમાં નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સ્પર્ધા બે વિભાગમાં યોજાશે. જેમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે જુનિયર અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સિનિયર વિભાગ રહેશે. તમામ સ્પર્ધકોને ભાગીદારી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. પુસ્તકના અભ્યાસના આધારે શાળા સમય દરમિયાન સંબંધિત શાળામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં દરેક શાળાના બંને વિભાગમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનારા વિદ્યાર્થીઓની ટીમ મોરબી ખાતે યોજાનારી મૌખિક ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે. આ ક્વિઝ રવિવારે અથવા શાળાની રજાના દિવસે યોજાશે, જે અંગેની જાણ અગાઉથી શાળાઓને કરવામાં આવશે. મોરબી કક્ષાએ પ્રથમ આવનારી ટીમને ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. ત્યાંથી વિજેતા ટીમ ક્ષેત્રીય અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ વર્ષે સ્પર્ધા માટે મહત્વપૂર્ણ નિયમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે શાળામાં પ્રાથમિક અથવા માધ્યમિક વિભાગમાં 40થી ઓછી નોંધણી થશે તેની એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. ભારત વિકાસ પરિષદ – મોરબી શાખાના પ્રમુખ ચિરાગભાઈ હોથીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ-2020ના મૂલ્યોને અનુરૂપ વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, રાષ્ટ્રપ્રેમ અને સારા નાગરિકત્વના સંસ્કારો વિકસે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.