નવ વર્ષથી રજૂઆતો છતાં પરિણામ નહીં આવ્યાનો આક્ષેપ, શિવાજી મહારાજના વિચારોને અનુરૂપ પગલાં ભરવાની ચેતવણી
મોરબી : મોરબી શહેરમાં ગેરકાયદેસર કતલખાનાં અને નોનવેજના વેચાણ સામે લાંબા સમયથી રજૂઆતો કરી રહેલા હિન્દુ સંગઠનોએ હવે મહાપાલિકા કચેરીમાં ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો છે. કતલખાનાં બંધ કરવાની માંગ સાથે મહાપાલિકાના પટાંગણમાં સ્ટિકર લગાવી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર પગલાં લેવાતાં ન હોવાનો આક્ષેપ કરી સંગઠનોએ આગામી સમયમાં શિવાજી મહારાજના વિચારોને અનુરૂપ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ, મહાપાલિકાની હદમાં જાહેર માર્ગો, ધાર્મિક સ્થળોની આસપાસ તેમજ રહેણાક વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાં ચાલતાં હોવાની ફરિયાદો છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ચિકન, મટન અને ઈંડાંના વેચાણ માટે લારીઓ ઊભી રાખવામાં આવતી હોવાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાતી હોવાની રજૂઆત સંગઠનો દ્વારા કરવામાં આવી છે.
આ મુદ્દે છેલ્લા નવ વર્ષ દરમિયાન સ્થાનિક રહીશો અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતનાં સંગઠનો દ્વારા અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ છે. કતલખાનાં બંધ કરાવવા અંગે મહાપાલિકાના સભ્યોએ પણ સંમતિ દર્શાવી હોવાનું સંગઠનોનું કહેવું છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા અમલીકરણ કરવામાં આવતું ન હોવાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
અગાઉ મહાપાલિકા કચેરી ખાતે રામધૂન યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તે સમયે ડેપ્યુટી કમિશનરે 29 સપ્ટેમ્બર સુધીમાં ગેરકાયદે કતલખાનાં બંધ કરાવવા અંગે ખાતરી આપી હોવાનું સંગઠનોએ જણાવ્યું હતું. જોકે, નિર્ધારિત સમયમર્યાદા બાદ પણ સંતોષકારક કાર્યવાહી ન થતાં ફરી વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનોના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દે ભવિષ્યમાં કોઈ ઘર્ષણની સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે. હવે માત્ર આશ્વાસનથી સંતોષ માનવામાં નહીં આવે અને કતલખાનાં બંધ કરાવવા માટે આગળનાં પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.