Thursday - Oct 15, 2026

માળિયાના ખાખરેચીમાં બીમારીથી પીડાતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માળિયાના ખાખરેચીમાં બીમારીથી પીડાતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : માળિયા મિયાણાના ખાખરેચી ગામની સીમમાં આવેલી લેમિટ પેપર મિલની લેબર કોલોનીમાં રહેતા 23 વર્ષીય યુવાને બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષથી બીમારીથી પીડાતા યુવાનને દર 10થી 15 દિવસે સારવાર માટે દવાખાને જવું પડતું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી હરીશભાઈ ટોલિયાભાઈ મકવાણા (ઉં.વ. 23) ખાખરેચી ગામની સીમમાં આવેલી લેમિટ પેપર મિલના લેબર ક્વાર્ટરમાં રહેતા હતા. તેમણે પોતાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક જેતપર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ બદિયાભાઈ ટોલિયાભાઈ મકવાણાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, હરીશભાઈ છેલ્લા એક વર્ષથી બીમારીથી પીડાતા હતા અને સારવાર માટે વારંવાર દવાખાને જવું પડતું હતું. બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.