Thursday - Oct 15, 2026

મોરબીમાં સ્કૂલના બાળકોના ઝઘડામાં મોટાઓ વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

મોરબીમાં સ્કૂલના બાળકોના ઝઘડામાં મોટાઓ વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબીચોક પાસે બે જૂથ વચ્ચે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબીચોક જવાના રસ્તાના નાકા પાસે માર્કેટિંગ યાર્ડ સામે ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. સ્કૂલના બાળકો વચ્ચે અગાઉ થયેલા ઝઘડાને લઈને શરૂ થયેલી બોલાચાલીમાં બંને પક્ષના મોટા લોકો પણ સામસામે આવી ગયા હતા. વાતચીત દરમિયાન મામલો વકરતાં છરી અને અન્ય હથિયારોથી હુમલા થયાના આક્ષેપ સાથે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. બનાવમાં અનેક લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે અગાઉથી ચાલતા વિવાદને પગલે ગરબીચોક નજીક ફરી બોલાચાલી અને મારામારી થઈ હતી. આ અંગેની જાણ બંને પક્ષના પરિવારજનોને થતાં તેઓ ઘટનાસ્થળે ભેગા થયા હતા. શરૂઆતમાં વાતચીતથી મામલો ઉકેલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ બોલાચાલી ઉગ્ર બનતાં મોટા લોકો વચ્ચે પણ મારામારી થઈ હતી.

નાના ભાઈ સાથે મારામારી થયાની ચાર સામે ફરિયાદ

આ બનાવમાં ઉમિયા સર્કલ પાસે કૈલાશ પાન નજીક ભેખડની વાડી વિસ્તારમાં રહેતા અલ્પેશ મગનભાઈ પરમાર (ઉંમર 17)એ પ્રિયાંક જોગડ, મીત, પાર્થરાજસિંહ ઝાલા અને ઉર્વરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અલ્પેશના નાના ભાઈ ચંદ્રકાંત પરમાર સાથે સ્કૂલમાં અવારનવાર બોલાચાલી અને મારામારી થતી હોવાનો આક્ષેપ છે. બનાવની રાત્રે ચંદ્રકાંત અને તેના કાકાના દીકરા હર્ષદ જાદવ હાઉસિંગ બોર્ડ પાસે હતા, ત્યારે સામેવાળા પક્ષના લોકોએ તેમની સાથે મારામારી કરી હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. ચંદ્રકાંતના ફોન બાદ અલ્પેશ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તે સમયે ફરી બોલાચાલી થતાં પ્રિયાંક, મીત અને પાર્થરાજસિંહે ચંદ્રકાંતને માર માર્યો હોવાનો, જ્યારે પાર્થરાજસિંહ અને ઉર્વરાજસિંહે અલ્પેશને પકડી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપથી માથામાં ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરાયો છે. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે.


સામા પક્ષે છરીના ઘા માર્યાની ફરિયાદ

બીજી તરફ, ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ પર રહેતા ઉર્વરાજસિંહ હકુભા ઝાલા (ઉં.વ. 26)એ ચંદ્રકાંત, અલ્પેશ પરમાર અને પરસોતમભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે આશરે 10 વાગ્યે ઉર્વરાજસિંહના ભાણેજ પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો કે હાઉસિંગ બોર્ડની ગરબી પાસે ઝઘડો થયો છે. આથી ઉર્વરાજસિંહનો ભાઈ અલ્પેશ અને પરસોતમભાઈ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ વાતચીત દરમિયાન ઝઘડો થતાં પરસોતમભાઈએ છરી વડે ઉર્વરાજસિંહની ડાબા હાથની કોણી પાસે ઘા માર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ઝપાઝપી દરમિયાન કૃષ્ણરાજસિંહ જમીન પર પડી જતાં અલ્પેશે છરી વડે તેમના જમણા પગના પંજા અને પીંડીના ભાગે ઘા માર્યા હતા. કૃષ્ણરાજસિંહને બચાવવા વચ્ચે પડેલા ભાવિન નિલેશભાઈ જોશીને પણ ડાબા હાથના અંગૂઠા પર છરી વાગી હોવાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત ઉર્વરાજસિંહને ક્રિષ્ના હોસ્પિટલમાં, જ્યારે કૃષ્ણરાજસિંહ અને ભાવિન જોશીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વનિતાબેન સિંચણાદા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.