બીજા નોરતે લોકસમ્રાટ સાગરદાન ગઢવી સહિતના કલાકારોના હસ્તે શહીદ જવાનોના પરિવારજનોને ચેક અર્પણ કરાયા
મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર યોજાઈ રહેલા મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ-2026માં બીજા નોરતે દેશની રક્ષા કાજે શહીદ થયેલા બે જવાનોના પરિવારોને રૂ. 1-1 લાખની આર્થિક સહાય અર્પણ કરી દેશપ્રેમ અને શહીદો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
પાટીદાર આગેવાન અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત નવરાત્રી મહોત્સવમાં લોકસમ્રાટ સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી, કરણ બારોટ, રૂપાલી જાંબુચા અને આશા કારેલીયાના હસ્તે હિમાચલ પ્રદેશના શહીદ જવાન અક્ષય કુમાર અને જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાન ભુપેન્દ્રસિંહના પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. શહીદ જવાનોએ દેશની રક્ષા માટે આપેલા બલિદાનને યાદ કરી તેમના પરિવારજનોને સહાયરૂપ થવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાટીદાર નવરાત્રી મહોત્સવ દરમિયાન સતત નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવાની સાથે દરેક પરિવારને રૂ. 1 લાખની આર્થિક સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના પર્વને દેશભક્તિ, શહીદો પ્રત્યેની કૃતજ્ઞતા અને સેવાભાવ સાથે જોડતી આ પહેલ મહોત્સવની વિશેષ ઓળખ બની રહી છે.