Wednesday - Oct 14, 2026

મોરબીમાં શેરી ગરબી સહિત મોટા નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ‘શી-ટીમ’ની વોચ

મોરબીમાં શેરી ગરબી સહિત મોટા નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ‘શી-ટીમ’ની વોચ

ગરબે ઘૂમતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ખેલૈયાઓ વચ્ચે જ રહેશે મહિલા પોલીસની ટીમ : કનડગત કરતા તત્ત્વો પર નજર રાખી કાર્યવાહી કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ અને યુવતીઓ નિર્ભય બની ગરબે ઘૂમી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ સુચારુ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા પોલીસની ‘શી-ટીમ’ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના સ્થળોએ ખેલૈયાઓ વચ્ચે હાજર રહી રોમિયોગીરી કરતા અને મહિલાઓની કનડગત કરતા તત્ત્વો પર નજર રાખી રહી છે. રાસ ગરબાના બહાને રોમિયોગિરી કરતા રોમિયોને પકડીને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લામાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનોની શી-ટીમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ મહિલા ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં તમામ રાસ ગરબાના સ્થળોએ હાજર રહી ખેલૈયાઓ વચ્ચે થતી હિલચાલ પર નજર રાખી રહી છે. જેથી યુવતીઓ, મહિલાઓને કોઈ શખ્સ હેરાન કરે કે કનડગત કરવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

મોરબી શહેર ઉપરાંત હળવદ, વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકા અને ટંકારા સહિતના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નાની શેરી ગરબીઓથી લઈને ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રી, સનાતન નવરાત્રી મહોત્સવ જેવા મોટા આયોજનોમાં ચાર ડીવાયએસપી અને તમામ પોલીસ મથકના ઇન્ચાર્જની દેખરેખ હેઠળ બંદોબસ્ત ગોઠવાયો છે. એ-ડિવિઝન, બી-ડિવિઝન, તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને ટ્રાફિક પોલીસની ટીમો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ છે.

ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ તૈનાત

રાસ ગરબાના સ્થળોએ મહિલા પોલીસની શી-ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસનો ખાનગી સ્ટાફ પણ વોચ રાખી આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જ્યારે ગરબા સ્થળોની આસપાસ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા લોકોને વાહનો નિયત પાર્કિંગમાં જ રાખવા અને બાળકો ગરબા રમવા જાય ત્યારે તેમના પર ખાસ ધ્યાન આપવા જણાવાયું છે. કોઈ મુશ્કેલી કે કટોકટીના સમયે 112 નંબર પર સંપર્ક કરી શકાય છે. નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા જળવાય અને ખેલૈયાઓ ઉત્સવનો આનંદ નિર્ભયતાથી માણી શકે તે માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.