પતિના હુમલાથી ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ, પતિ અને સાસુ સામે પરિણીતાની ફરિયાદ
મોરબી : વાંકાનેર તાલુકાના નવા વઘાસિયા ગામે ઘરકામ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ લોખંડના પાઇપ વડે પત્નીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં મહિલાને માથા, હાથ સહિત શરીરના ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ પતિ અને સાસુ સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવા વઘાસિયા ગામે રહેતાં અમિતાબેન અશોકભાઈ સોલંકી (ઉં.વ. 44)એ તેમના પતિ અશોકભાઈ અમરસીભાઈ સોલંકી અને સાસુ સોમીબેન અમરસીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિ ઘરે આવ્યા બાદ ‘તું કોઈ કામ કરતી નથી’ તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લોખંડના પાઇપ વડે માર મારતાં અમિતાબેનને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત, ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત પતિ અને સાસુએ ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસે બંને સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.