તમામ પ્રાચીન ગરબીમાં પ્રથમ નોરતે જગદંબા સ્વરૂપા બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
મોરબી : મોરબીમાં માં શક્તિની ઉપાસના, આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થતાં પ્રથમ નોરતે તમામ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબા રમઝટ બોલી હતી. મોરબી તાલુકામાં શેરીએ, ગલીએ ચોકે યોજાયેલી પ્રાચીન ગરબીમાં વર્ષોની પરંપરા મુજબ લોકવાંદ્ય અને કર્ણપ્રિય સુરના સથવારે રાસ ગરબાની ભક્તિસભર રંગત જામી હતી. નોરતાની રઢિયાળી રાત્રે જાણે સ્વંય આકાશમાંથી ગરબા રમવા ઉતર્યા રે ભોળી ભવાની માં ની જેમ જગદંબા સ્વરૂપા બાળાઓ જાણે ચાચર ચોકમાં ઉતરીને રાસ ગરબાની રમઝટ બોલાવતા ભક્તિનો સાગર ઘૂઘવ્યો હોય એવો તાલ સર્જાયો હતો. જો કે હજુ પ્રથમ નોરતે જ માતાજીની ભક્તિ અપરંપાર બની છે. ત્યારે જેમ જેમ નવલા નોરતાના દિવસો પસાર થતા તેમ ચાચર ચોકમાં માતાજીની ભક્તિ વધુ તેજોમય બનશે.
ધક્કાવાળી મેલડી માતાની ગરબીમાં 26 વર્ષથી શૌર્ય, નવદુર્ગાના રાસની પરંપરા
મોરબીના સ્ટેશન રોડ પર આવેલી ધક્કાવાળી મેલડી માતાની પ્રાચીન ગરબીમાં છેલ્લા 26 વર્ષથી પરંપરાગત રાસની રજૂઆત કરવામાં આવે છે. અહીં આશરે 75 બાળાઓ દ્વારા શૌર્ય રાસ, ભવાની માતાજીનો રાસ અને ધક્કાવાળી મેલડી માતાનો વિશેષ રાસ રજૂ કરવામાં આવે છે. નવરાત્રીના નવેય દિવસ નવદુર્ગા અને શિવજીનાં હાલરડાંના રાસ સહિત વિવિધ ધાર્મિક અને પરંપરાગત રાસની રજૂઆત આ ગરબીનું વિશેષ આકર્ષણ છે.
ખાખરાળાની ગરબીમાં 110 વર્ષથી માત્ર પુરુષો રમે છે રાસ ગરબા
મોરબીના ખાખરાળા ગામના રામજી મંદિર ચોકમાં યોજાતી આશરે 110 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આધુનિક ગરબાના બદલાતા રંગો વચ્ચે અહીં માત્ર પુરુષો ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. પેઢી દર પેઢી આગળ વધતી આ પરંપરા ગામની ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ અને પ્રાચીન વારસાને જીવંત રાખે છે.
લક્ષ્મીવાસની ગરબીમાં 100 વર્ષથી ઢોલ-શરણાઈના સૂર-છંદની પરંપરા અકબંધ
લક્ષ્મીવાસ ગામની 100 વર્ષ જૂની ગરબીમાં ગ્રામ્ય લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાની આગવી ઝલક જોવા મળે છે. અહીં ઢોલ અને શરણાઈના સૂર સાથે માતાજીના પ્રાચીન છંદો અને પરંપરાગત ગરબા ગાવાની પ્રથા આજે પણ જળવાઈ છે. આધુનિક સંગીતના માહોલ વચ્ચે દેશી વાદ્યોના તાલે માતાજીની આરાધના કરતી આ ગરબી ગામના સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
દફતરી શેરીની ગરબીમાં 75 વર્ષથી તબલા-મંજીરાના તાલે આરાધના
મોરબી શહેરની દફતરી શેરીમાં યોજાતી આશરે 75 વર્ષ જૂની ‘જય અંબે ગરબી’માં આધુનિક સંગીત સાધનોને બદલે આજે પણ દેશી તબલા અને મંજીરાના તાલે નાની બાળાઓ ગરબે ઘૂમે છે. લાઉડસ્પીકર અને આધુનિક સંગીતની ઝાકમઝોળથી દૂર આ ગરબીમાં પરંપરાગત સંગીત, સાદગી અને ધાર્મિક આસ્થાનો સમન્વય જોવા મળે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા બાળાઓમાં સંસ્કારનું સિંચન કરવાની સાથે મોરબીની પ્રાચીન ગરબી સંસ્કૃતિને જીવંત રાખે છે.