Wednesday - Oct 14, 2026

મોરબીના ગંદકીના મહાકાય ગંજથી ખદબદતું નવુ બસ સ્ટેન્ડ અંતે "આઈના જેવું ચમકયું"

મોરબીના ગંદકીના મહાકાય ગંજથી ખદબદતું નવુ બસ સ્ટેન્ડ અંતે

યુવા શિક્ષિત ટીમ અને મનપાએ બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન ચલાવી બે ટ્રેક્ટર કચરો દૂર કરી મુસાફરોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડમાં લાંબા સમયથી કચરાના મહાકાય ગંજને કારણે આ બસ સ્ટેન્ડમાં થોડી વાર ઉભા રહેવામાં પણ મગજ ચકરાઈ જાય તેવી ભયકર ગંદકી ઉદભવી હતી. તેથી હજારો મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને યુવા શિક્ષિત ટીમ ક્લીનઅપ મોરબી અને મનપાની ટીમ સંયુક્તપણે નવા બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન ચલાવ્યું હતું. જો કે નવા બસ સ્ટેન્ડ અંદર બહાર જ્યાં જુઓ ત્યાં કચરાના વિશાળ ગંજ ખડકાયેલા હોય બેસુમાર ગંદકી વચ્ચે પણ યુવા શિક્ષિત ટીમ અને મનપાની ટીમે જરાય શરમ સંકોચ રાખ્યા વગર અન્યોને પણ ગંદકી ન કરવાની અને ગંદકી નાબૂદીની પ્રેરણા મળે એ માટે પાવડા, તગરા લઈ કલાકો સુધી શ્રમદાન કરીને નવા બસ સ્ટેન્ડને આઈના જેવું એકદમ ખુબસુરત ચમકાવી દીધું હતું.આ ટીમોએ બસ સ્ટેન્ડમાંથી બે ટ્રેક્ટરો ભરાય તેટલા કચરાનો નિકાલ કરીને લોકોને પણ  સ્વચ્છતા જળવવાનો સંદેશ આપ્યો હતો. આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, કોર્પોરેટરો, ચેરમેન, બસ ડેપો મેનેજર તથા ક્લીન ઇન્ડિયા ટીમ જોડાઈ હતી. આ દરમિયાન સ્પીકર અને માઇકના માધ્યમથી મુસાફરો તથા રાહદારીઓને જાહેર સ્થળોએ ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.

મોરબીના ગંદકીના મહાકાય ગંજથી ખદબદતું નવુ બસ સ્ટેન્ડ અંતે
મોરબીના ગંદકીના મહાકાય ગંજથી ખદબદતું નવુ બસ સ્ટેન્ડ અંતે

બસની બારીમાંથી કચરો ન ફેંકવા મુસાફરોને સમજાવ્યા

સફાઈ અભિયાન દરમિયાન કાર્યકરોએ બસની અંદર જઈ મુસાફરોને બારીમાંથી બહાર કચરો ન ફેંકવા સમજાવ્યા હતા. શહેરને સ્વચ્છ રાખવું માત્ર તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ બસ ડેપો મેનેજરને બસ સ્ટેન્ડમાં નિયમિત સફાઈ જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી.

-મીનાક્ષીબેન શાહ, સ્વચ્છતા સૈનિક

પ્લાસ્ટિકમુક્ત મોરબી માટે નાગરિકોને પ્રેરણા

મુસાફરો અને રાહદારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા તથા જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સફાઈ અભિયાનના માધ્યમથી સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં જવાબદારીની ભાવના કેળવવાનો પ્રયાસ કરાયો હતો. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તંત્રની કામગીરીની સાથે નાગરિકોનો સહયોગ પણ અનિવાર્ય હોવાનું સમજાવવામાં આવ્યું હતું.નવા બસ સ્ટેન્ડમાં હજારો મુસાફરોની અવરજવર રહેતી લાંબા સમય બાદ સઘન રીતે સફાઈ કરી લોકોને જ્યાં ત્યાં ગંદકી ન કરવી એ એક પ્રકારનો સ્વચ્છતા માટે મોટો સહયોગ આપ્યો હોવાની સમજણ અપાઈ હતી.

-નવનીતભાઈ કાસુન્દ્વા, સ્વચ્છતા સૈનિક