નવરાત્રિના પ્રથમ નોરતે ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને સામાજિક સમરસતા મંચની પહેલથી સામાજિક એકતાનો સંદેશ
મોરબી : નવરાત્રિના પ્રથમ નોરતે મોરબીમાં સામાજિક સમરસતાની ભાવનાને ઉજાગર કરતી પહેલ અંતર્ગત અનુસૂચિત જાતિ હિન્દુ સમાજની 133 દીકરીઓનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 35 સ્વયંસેવકોના પરિવારજનો દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટની મોરબી શાખા અને સામાજિક સમરસતા મંચ, મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ આયોજનમાં શાસ્ત્રોક્ત કન્યા પૂજન, લ્હાણી વિતરણ તથા સ્નેહભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વયંસેવકોના પરિવારજનોએ દીકરીઓને માતૃશક્તિના સ્વરૂપ તરીકે પૂજી તિલક કરી, ભેટ-લ્હાણી અર્પણ કરી હતી. ત્યારબાદ સૌને સ્નેહપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. વિવિધ સામાજિક વર્ગો વચ્ચે પરસ્પર આત્મીયતા વધે, સમાનતા અને બંધુત્વની ભાવના મજબૂત બને તેમજ પરિવારો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને તેવા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિની મોરબી શાખા, સામાજિક સમરસતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા તેમના પરિવારજનોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. નવરાત્રિના ધાર્મિક માહોલમાં યોજાયેલી આ પહેલ દ્વારા સમાજમાં સૌહાર્દ, પરસ્પર સન્માન અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.