Tuesday - Oct 13, 2026

ટંકારાના વીરપર પાસે જમવામાં વિલંબ મુદ્દે યુવાન પર છરીથી હુમલો

ટંકારાના વીરપર પાસે જમવામાં વિલંબ મુદ્દે યુવાન પર છરીથી હુમલો

જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માથાના પાછળના ભાગે છરીનો ઘા માર્યાનો આક્ષેપ : બે શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ

મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારાના વીરપર ગામ પાસે આવેલી કાદરી હોટલમાં જમવામાં વિલંબ થવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં હોટલ સંચાલકે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેના માથાના પાછળના ભાગે છરીનો ઘા માર્યાનો આક્ષેપ થયો છે. જ્યારે અન્ય એક શખ્સે યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, ટંકારાના વીરપર ગામે પાણીના ટાંકા પાસે રહેતા ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (ઉં.વ. 24) પોતાના સાથી સાથે મોરબી-રાજકોટ હાઈવે પર એક્સિસ બેંકની સામે આવેલી કાદરી હોટલમાં જમવા ગયા હતા. આ દરમિયાન ભાવિનભાઈએ જમવાનું આપવા જણાવતાં હોટલ સંચાલક ઈમ્તિયાઝભાઈએ જમવાનું આપવામાં વાર લાગશે તેમ કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, બોલાચાલી દરમિયાન ઈમ્તિયાઝભાઈએ ભાવિનભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માથાના પાછળના ભાગે છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વીરપરની હરિ કૃપા સોસાયટીમાં રહેતા રાઠોડભાઈએ પણ ભાવિનભાઈને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત ભાવિનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ઈમ્તિયાઝભાઈ અને રાઠોડભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.