Tuesday - Oct 13, 2026

હળવદમાં વાહન સામસામે આવી જવાના મામલે બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે ફરિયાદ

હળવદમાં વાહન સામસામે આવી જવાના મામલે બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે ફરિયાદ

લાકડી, પાઇપ અને ધોકા-ધારિયા વડે મારામારીમાં અનેકને ઇજા; પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

મોરબી : હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે વાહન સામસામે આવી જવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ બનાવમાં લાકડી, પાઇપ અને અન્ય હથિયારો વડે મારામારી કરવામાં આવતાં બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બંને પક્ષે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સામસામે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદની કરાચી કોલોની અન્નક્ષેત્ર પાસે રહેતા દેવાભાઈ ગાંડુભાઈ સરૈયા (ઉં.વ. 35)એ ઇમ્તિયાઝભાઈ યુનુસભાઈ ચૌહાણ, શકીલભાઈ ભટ્ટી, સદામ ઉર્ફે ભાણો, મુસ્તાકભાઈ શેખ, શાહરુખભાઈ મહેબુબભાઈ મન્સૂરી તથા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દેવાભાઈ પોતાના પરિવાર સાથે થાર ગાડીમાં હળવદના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇમ્તિયાઝભાઈ અને શકીલભાઈ બાઇક પર સામેથી આવ્યા હતા. વાહન સામસામે આવી જવાની બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અન્ય શખ્સો પણ ત્યાં આવી ગયા હતા અને ફરિયાદીને જાહેરમાં ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, મોરબીના લાતી પ્લોટમાં શેરી નંબર 4 અને 5 વચ્ચે રહેતા મોહસીનભાઈ અબ્દુલભાઈ રાઠોડ (ઉં.વ. 34)એ સામતભાઈ ભરવાડ, આર.કે. સોરિયા, નિલેશ ઠાકોર, જગો ડુડી, બાબુભાઈ, વિજય મશરૂભાઈ તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સદ્દામભાઈને સામતભાઈ સાથે માથાકૂટ થઈ હતી. દરમિયાન ફરિયાદી અને અન્ય સાહેદો સદ્દામભાઈને છોડાવવા ગયા ત્યારે આરોપીઓએ લાકડી, પાઇપ અને ધોકા સહિતનાં હથિયારોથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ મારામારીમાં સબીરભાઈને માથામાં ઇજા થઈ હતી, જ્યારે રસીદભાઈને જમણા પગ અને ડાબા હાથમાં તથા અફઝલભાઈને બંને પગ અને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ફરિયાદોના આધારે હળવદ તાલુકા પોલીસે સામસામે ગુના નોંધી આરોપીઓ સામે આગળની તપાસ હાથ ધરી છે.