પેટ્રોલ ડીઝલ મોંઘું થતા અને ઉપરથી પ્રદુષણનો ગંભીર પ્રશ્ન હોવાથી ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધ્યો ત્યારે ભેજાબાજો મોરબીના વેપારીને ટાટા પાવર કંપનીના ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડિલરશિપ આપવાના બહાને રૂ. 24.67 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. વેપારીએ ત્રણ શખ્સો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના લાતીપ્લોટમા આવેલ કે.કે.ઇલેક્ટ્રોનિકસ નામની પેઢી ધરાવતા ડાયરેકટર દર્શનભાઈ કિરીટભાઈ શાહએ ટાટા કંપનીમાં નોકરી કરતો હોવાની ઓળખ આપનાર આરોપી રવીકુમાર, એક મોબાઈલ નંબર ધારક તેમજ ટોલ ફ્રી નંબરનો ધારણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.19 માર્ચના રોજ આરોપીઓએ ટાટા પાવર કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી ફરિયાદી દર્શનભાઈને ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશિપ આપવાના નામે જરૂરી ડોક્યુમેન્ટ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દર્શનભાઈ સાથે રૂપિયા 24,67,000 મેળવી લઈ છેતરપિંડી કરી હતી.