Friday - Sep 25, 2026

મોરબીના સનાળા-ઘુનડા રોડ પરથી દેશી દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો

મોરબીના સનાળા-ઘુનડા રોડ પરથી દેશી દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો

રૂ.3.10 લાખનો મુદ્દામાલ કબજે, દારૂનો જથ્થો સનાળાના શખ્સને આપવાનો હોવાની કબૂલાત

મોરબી : મોરબીના સનાળા-ઘુનડા રોડ પર તળાવ પાસે પોલીસે ઇકો કાર રોકીને તપાસ કરતાં તેમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ઇકો કાર મળી કુલ રૂ.3.10 લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલકની ધરપકડ કરી હતી. પૂછપરછમાં દારૂનો જથ્થો સનાળા ગામે રહેતા શખ્સને આપવાનો હોવાનું સામે આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ સનાળા-ઘુનડા રોડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે તળાવ પાસે ઇકો કાર નં. GJ-36-AL-6213ને રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાં પ્લાસ્ટિકના છ બાચકા મળી આવ્યા હતા. તપાસ કરતાં તેમાં 300 લીટર દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે રૂ.60 હજારની કિંમતનો દારૂ અને રૂ.2.50 લાખની ઇકો કાર મળી કુલ રૂ.3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કારચાલક શૈલેષભાઈ વિનુભાઈ સુરેલા (ઉં.35), રહે. જોધપર નદીવાળા,ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શૈલેષભાઈ આ દારૂનો જથ્થો સનાળા ગામે રહેતા વિશ્વરાજસિંહ જાડેજાને આપવા માટે લઈ જતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે શૈલેષભાઈ સુરેલા અને વિશ્વરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધી વિશ્વરાજસિંહને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.