Thursday - Sep 24, 2026

મોરબીમાં 75 વર્ષથી વધુ વયના 141 વડિલોની જાહેર મંચ પર પૂજા અર્ચના સાથે ભાવવંદના કરાઈ

મોરબીમાં 75 વર્ષથી વધુ વયના 141 વડિલોની જાહેર મંચ પર પૂજા અર્ચના સાથે ભાવવંદના કરાઈ

લગ્ન જીવનના 50 વર્ષના લાંબા અંતરાલમાં સહજીવનમાં અનેક પડકારો વચ્ચે પણ એકબીજાનો સહારો બનનાર પરિપક્વ દંપતીઓનું પણ વિશેષ રીતે સન્માન કરાયું

મોરબી : ભારતીય સંસ્કૃતિ મુજબ માવતર ઈશ્વરથી પણ અધિક વિશેષ ગણાય છે. આવા જ ઈશ્વર સમાન માવતરે સંતાનોના ઉજળા ભવિષ્ય માટે પોતાની જાત ઘસી નાખી હોય છતાં ઘણા સંતાનો જીવનના અંતિમ પડાવમાં ઘડપણની ટેકણ લાકડી બનવાને બદલે માવતરને ધુત્કારી અવહેલના કરતા વડીલો વૃદ્ધાશ્રમમાં આશરો લેવા મજબૂર બને છે. આથી વડીલોથી વૃદ્ધાશ્રમો ભરાય પડ્યા હોય દરેક સંતાન માવતરનું પોતાના જીવ કરતા પણ કાળજી પૂર્વક જતન કરે તે માટે સારસ્વત ગણાતા બ્રહ્મ સમાજ દ્વારા વડીલ વંદનાનું આયોજન કરીને તમામ સમાજને વડીલો પ્રત્યે અત્યંત સ્નેહભાવથી આદર સત્કાર કરવાનો મેસેજ આપ્યો છે.
 

મોરબીમાં 75 વર્ષથી વધુ વયના 141 વડિલોની જાહેર મંચ પર પૂજા અર્ચના સાથે ભાવવંદના કરાઈ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીવનના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડિલોની ભાવવંદના તેમજ લગ્ન જીવનના 50 વર્ષ સુધી અગ્નિની સાક્ષીએ ચોરીના ચાર ફેરા ફરતી વખતે ગમે તેવા કપરા કાળમાં પણ એકબીજાનો સાથ ન છોડવા વચન નિભાવનાર પરિપક્વતા ધરાવતા દંપતીઓના પ્રથમ વખત અનોખા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા, અશ્વિનભાઈ રાવલ, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી, ડો. આશિષભાઈ ત્રિવેદી, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો. વિરલભાઈ લહેરુ, શાસ્ત્રી નિખિલભાઈ જોશી, ગીરીશભાઈ જોશી, જયશ્રીબેન જોષી, ચેતનાબેન જોષી, કિરણબેન ઠાકર સહિતના બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. અનોખા સન્માન સમારોહમાં જીવનના 75 વર્ષ ખુમારી પૂર્વક જીવી અને આટલી ઉમેરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ક્રુતિ ધરાવતા 141 જેટલા વડિલોને સ્ટેજ ઉપર આદર સત્કાર સાથે બોલાવી સંતાનો સાથે પૂજા અર્ચના કરી મોમેન્ટો, શાલ અને ભેટ આપીને સન્માનિત કરીને ભાવવંદના કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, માવતર હમેશા સંતાનોનું ભલું જ કરે છે. આ એજ માવતર છે કે, સંતાનો ઉપર કંઈપણ આફત આવે તો એ પોતે ઝીલીને સંતાનોને ઉની આંચ પણ આવવા દેતા ન હતા. મોટા થયેલા દરેક સંતાન જે પણ ક્ષેત્રે સફળતા મેળવી હોય એ માવતરને આધીન છે. એટલે માવતરનો અનાદર કરવો એ ઈશ્વરનો અનાદર કર્યા બરાબર છે. દરેક સંતાનોએ એ પણ ભૂલી ન જવું જોઈએ તેઓ પણ માતાપિતા થશે અને તેઓ પણ વૃદ્ધ થશે. આથી માવતરની જરાય પણ લાગણી દુભાય એવું કાર્ય કરવું જોઈએ.