એલસીબીએ કાર્યવાહી કરી 493 બોટલ દારૂ કબ્જે કર્યો
મોરબી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મચ્છુ-2 ડેમ નજીક નર્મદા કેનાલ પાસેથી પસાર થતી એક ઈકો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાં બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી કારના ચાલકની ધરપકડ કરી છે અને કુલ 5,28,513 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની ઈકો કાર (રજી. નં. GJ-09BJ-4437) માં બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો ભરીને રફાળેશ્વર તરફથી નીકળી જોધપર નદી તરફ આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મચ્છુ-2 ડેમ નજીક નર્મદા કેનાલ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી.
બાતમીવાળી ઈકો કાર પસાર થતાં પોલીસે તેને રોકીને ચેક કરતા કારમાં પાછળના ભાગે અને ગાડીની નીચે એમ બે ગુપ્ત ચોરખાના બનાવેલા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને ચોરખાનામાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 493 બોટલો (કિંમત રૂ. 1,28,513) જપ્ત કરી હતી. પોલીસે દારૂ અને 4,00,000 રૂપિયાની કિંમતની ઈકો કાર મળીને કુલ 5,28,513 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે કાર ચાલક બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ. 33, રહે. હાલ સુવાડાગામ, કટોસણ રોડ, તા. દેત્રોજ, જિ. મહેસાણા, મૂળ રહે. મોરબી) ની ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું હતું કે, આ આરોપી પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક ગુનામાં પણ નાસતો ફરતો હતો, જેથી આ અંગે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
આ ઉપરાંત, પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ભરી આપનાર પ્રવિણસિંહ ઝાલા (રહે. થરા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા) અને દારૂ મંગાવનાર અરવિંદભાઈ દાદુભાઈ બાટી (રહે. મોરબી, વજેપર) ના નામ ખુલતા, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.