વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર વાંકાનેર શહેરથી બાઉન્ડ્રી તરફ જતા ત્રિપલ સવારી બુલેટને મહિકા ગામ નજીક અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાતા આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ઇજાઓ પહોંચતા અચાનક રોડ ઉપર આવેલ બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેરમાં રહેતા રિકવરી એજન્ટ ફરિયાદી મિહિરભાઈ અશ્વિનભાઈ પોપટ ઉ.23 નામના યુવકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જીજે - 36 - એએસ - 7151 નંબરના બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.3 ના રોજ ફરિયાદી સાહેદ કિશનભાઈ અને મનદીપસિંહ સાથે ત્રિપલ સવારીમાં બુલેટ નંબર જીજે - 36 - એક્યુ - 5719 લઈ વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા હતા ત્યારે મહિકા ગામ નજીક બાઈક ચાલક અચાનક ઇન્ડિકેટર ચાલુ કર્યા વગર રોડની સામેની તરફ જવા બાઈક વાળી લેતા બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ફરિયાદી તેમજ સાહેદ કિશનને ઇજા થઇ હતી. જ્યારે મનદીપસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.