Friday - Feb 13, 2026

મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર અને વચેટીયો 20 હજારની લાંચ લેતા ઝડપાયા

મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર અને વચેટીયો 20 હજારની લાંચ લેતા ઝડપાયા

મોરબી : એક તરફ સરકાર સોલાર લગાવવા સબસીડી સહિતના પ્રોત્સાહન આપી લોકોને સૌરઉર્જા વપરાશ કરવા પ્રેરણા આપી રહ્યા છે ત્યારે મોરબી પીજીવીસીએલના ક્લાસ વન અધિકારી સોલાર પેનલ લગાવતા પ્રજાજનો અને સોલાર પેનલ લગાવવાની કામગીરી કરતા ધંધાદારીઓ પાસેથી તગડી લાંચ લેતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના સોલાર પેનલ કંપનીના ધંધાર્થી પાસેથી વચેટિયા મારફતે રૂ.20 હજારની લાંચ લેનાર વચેટિયા અને અધિકારીને રાજકોટ એસીબીએ પીજીવીસીએલ કચેરી, વેજીટેબલ રોડ પાસેથી ઝડપી લેતા પીજીવીસીએલના એમડી સહિતના અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા.

મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીના સંચાલકે બે કંપનીના સોલાર પ્લાન્ટનું કામકાજ કરેલ હોય જે બન્ને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તથા લગાવેલ સોલાર પ્લાન્ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવા બાબતે મોરબી પીજીવીસીએલના ક્લાસ વન અધિકારી એવા નાયબ ઈજનેર મિનેષભાઇ અરજણભાઇ જાદવે ફરિયાદી પાસેથી રૂ.૨૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ના હોય રાજકોટ ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ શુક્રવારે સાંજે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

એસીબીના લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાયબ ઈજનેર મિનેષભાઇ અરજણભાઇ જાદવએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ પીજીવીસીએલ કચેરી, વેજીટેબલ રોડ પાસે પ્રવીણભાઇ નામના વ્યક્તિને આપવાનું કહેતા આરોપી પ્રવીણભાઇએ ફરીયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૨૦,૦૦૦ સ્વીકારતા જ એસીબી ત્રાટકી હતી અને સ્થળ ઉપરથી બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. પીજીવીસીએલના ક્લાસ વન અધિકારી વચેટિયા મારફતે લાંચ લેતા પકડાઈ જતા વીજ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો.