Friday - Feb 13, 2026

મોરબીના ઘુંટુની સોસાયટીના રહીશોનું 8 દી'માં પ્રાથમિક સુવિધા ન મળે તો ચક્કાજામનું એલાન

મોરબીના ઘુંટુની સોસાયટીના રહીશોનું 8 દી'માં પ્રાથમિક સુવિધા ન મળે તો ચક્કાજામનું એલાન

અનેક રજુઆત, કીચડમાં રમતોત્સવ કરવા છતાં તંત્રની આંખ ન ઉઘડતા એલ્ટીમેટમ આપ્યું

મોરબી : મોરબીના ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોને 16 વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા હવે આક્રમક બન્યા છે. જો કે અનેક રજુઆત અને કીચડમાં રમતોત્સવ જેવી નવતર લડત છતાં તંત્રની ઊંઘ ન ઉડતા અંતે આ સોસાયટીના રહીશોએ ફરી એકવાર રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને રજુઆત કરી 8 દિવસનું એલ્ટીમેટમ આપ્યું છે. જો આ 8 દિવસમાં તંત્ર પ્રાથમિક સુવિધાઓ પુરી નહિ પાડે તો ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે.

મોરબીના ઘુંટુ ગામે આવેલી રામકો વિલેજ સોસાયટીના રહીશોએ આવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સોસાયટી વર્ષ 2009માં બન્યા બાદ આજે 16 થયા છતાં તેમને પાયાની કહી શકાય એવી રોડ, પાણી, ગટર, લાઈટ, સફાઈ સહિત પ્રાથમિક સુવિધા મળી નથી. આજના જેટ યુગમાં દેશ અને દુનિયા ચાંદ ઉપર પહોંચો ગઈ છતાં આવી પાયાની જીવન જરૂરિયાતની સુવિધાઓ ન મળવી એ માટે અમે દુર્ભાગ્યશાળી નથી. પણ આ બાબત સંબધિત તંત્ર અને ગ્રામ પંચાયત માટે શરમજનક કહેવાય.હકીકતમાં ગ્રામ પંચાયતને આ સોસાયટીનો કબ્જો લેવા બાબતે ભારે મડાગાંઠ સર્જાઈ છે. તેથી આ સોસાયટીને સુવિધાઓ મળી નથી. આ સોસાયટીમાં હજુ સુધી કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું ન હોવાથી પથ્થર જે સ્થિતિમાં જ્યાં પડ્યા છે ત્યાં જ છે.તેમજ સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેક્ટર આવતું તે પણ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને અનેક વાર રજુઆત કરવા છતાં બહાના આપવામાં આવે છે. આ ઉપરાંત આ સોસાયટીના રોડ, રસ્તા પણ બનાવેલા ન હોય કે પેવર બ્લોક પણ નાખેલા ન હોય અને ગટરની સુવિધા પણ ન હોય જેથી તમામ પાણી રસ્તા પર વહે છે અને ખાડા - ખાબોચિયામાં ભરાય જાય છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અને રોગચાળો ફેલાય છે. આ સોસાયટીમાં રોડ - રસ્તા, ગટરના પાણી રસ્તા પર વહે છે તેની સુવિધા કરવા માંગણી કરવામાં આવી છે. જેથી આ સોસાયટીના રહીશોએ સાથે મળીને કીચડમાં રમતોત્સવ કરીને નવતર રીતે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. આથી હવે સોસાયટીના રહીશો લડી લેવાના મુડમાં છે. તેથી 8 દિવસમાં સુવિધાઓ નહિ મળે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના ઘુંટુની સોસાયટીના રહીશોનું 8 દી'માં પ્રાથમિક સુવિધા ન મળે તો ચક્કાજામનું એલાન