વેપારીની હત્યા બાદ ચારેકોરથી તડાપીટ બોલતા ભીંસમાં મુકાયેલી પોલીસે માત્ર એક દિવસ પૂરતી જ કાર્યવાહી કરતા આવારાતત્વોનો ખોફ યથાવત
મોરબી : મોરબીમાં હમણાં જ પોલીસની ધાક જ ન હોય એમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયાની કલંકરૂપ ઘટના સમાન વેપારીની સરેઆમ હત્યા બાદ ચારેકોરથી તડાપીટ બોલતા ભીંસમાં મુકાયેલી પોલીસે માત્ર એક દિવસ પૂરતી જ કાર્યવાહી કરતા આવારાતત્વોનો ખોફ યથાવત રહ્યો હોય એમ હવે વધુ એક જોખમી બાઈક સ્ટંટનો વિડીયો વહેતો થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે જાહેરમાં આવા જોખમી સ્ટંટથી કોઈ નિર્દોષનો જીવ જાય તો જવાબદાર કોણ ?
મોરબી-રાજકોટ હાઇવે પર આવેલા શનાળા અને વિરપર ગામ વચ્ચે કેટલાક આવારા તત્વો જીવના જોખમે બાઈક પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા છે. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી જાય તે રીતે આ તત્વો બેફામ બાઈક હંકારી રહ્યા છે.
એક તરફ હત્યા જેવી ગંભીર ઘટના બાદ પોલીસ કડક કાર્યવાહીના દાવાઓ કરી રહી છે. ત્યારે બીજી તરફ હાઇવે પર આ રીતે આવા આવારા તત્વો પોલીસની ધાક અને કામગીરી સામે સીધો સવાલ ઉભો કરી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું પોલીસની કાર્યવાહી માત્ર સામાન્ય નાગરિકો કે વાહનચાલકો પાસેથી દંડ વસૂલવા પૂરતી જ સીમિત છે ?