શ્રાવણ માસ ચાલી રહ્યો હોય તેમાંય આજે પ્રથમ સોમવાર હોવાથી શિવાલયોમાં અદભૂત સાંજ શણગાર સાથે ધૂન ભજન અને ભક્તિસભર કાર્યક્રમોના આયોજનો થયા હતા. પણ મોરબીના છેવાડે આવેલા વાડી વિસ્તારના શ્રમજીવી યુવાનોએ સૌથી મોટી અને વિશષ્ટ શિવ પૂજા કરી હતી. એ પણ વગર પૈસે. શ્રમજીવી વિસ્તારમાં યુવાનોએ એક મહિનાથી સતત મહેનત કરીને બાર જ્યોતિલિંગ એક સાથે સમાય જાય તેવી મોટી ગુફા બનાવી હતી અને એકપણ રૂપિયાના ખર્ચ વગર વેસ્ટમાંથી બેસ્ટ બાર જ્યોતિલિંગ બનાવીને આજે દર્શન માટે ગુફા ખુલ્લી મૂકી હતી.
મોરબીના વાડી વિસ્તારમાં રહેતા અગ્રણી હસમુખભાઈ નકુમ કહે છે કે, તેમના વિસ્તારમાં 5 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. બધા જ શ્રમજીવી છે. દિવસે કાળી મજુરી કરીને આવે એટલે થાક્યા પાક્યા હોય પણ આ શ્રમજીવીઓમાં દરેક ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. તેમાંય ભોળાનાથ પ્રત્યે તો વધુ ભક્તિભાવ છે. એટલે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય એ દરેક તહેવારની જેમ શ્રાવણ માસમાં ભોળાનાથની ભક્તિ કરવામાં આવે છે. અમારા યુવાનોમાં એકતા અને ટીમ વર્ક વધુ છે. એટલે આ વખતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશષ્ટ આયોજન કરવા યુવાનોની ટીમ એક મહિનાથી તૈયારી કરતી હોય છે. ખાસ કરીને મોટી વયના લોકોનું બાર જ્યોતિલિંગના દર્શન કરવાનું એક સપનું હોય છે. પણ શ્રમજીવી હોવાથી આ સ્વપ્ન સાકાર થતું નથી. ત્યારે યુવાનોએ વિચાર્યું કે અમારા વિસ્તારના લોકોને એકસાથે 12 જ્યોતિલિંગના દર્શન થઈ જાય તો મોટું પૂર્ણય કમાયું હોય એવો અનુભવ થશે. આથી એક મહિના સુધી યુવાનો દિવસે કામે જાય અને રાત્રે બાર જ્યોતિલિંગની ગુફા બનાવતા, મોટો ખર્ચો કરી શકી એવી આર્થિક ક્ષમતા નથી. એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કરી આ વિસ્તાર વૃક્ષો કાપેલા હોય તેની શિવલિંગ બનાવી, એ પણ તદ્દન બાર જ્યોતિલિંગ આકારની જ. ગુફા માટે ઝાડીઓ વૃક્ષોનો ઉપયોગ કર્યો અને મોટી લીગ સ્મશાનની લઈ આવ્યા, એમ કરીને 12 જ્યોતિલિંગ સાથેની મોટી ગુફા એક મહિનામાં તૈયાર કરી દીધી અને આજે આ 12 જ્યોતિલિંગ સાથેની ગુફા ખુલ્લી મૂકી તેમાં રોશનીનો શણગાર કરી અદભુત બનાવી છે. હજારો લોકોએ આ ગુફા સાથેની બાર જ્યોતિલિંગના દર્શન કરીને ધન્ય બની ગયા છે.