શાંતિધામ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા શાળાને રૂ. 1.12 લાખની સહાય, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલા શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાન ખાતે કાર્યરત શ્રી રામધૂન મોક્ષ ધૂન મંડળની એક વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી સરસ્વતી શિશુ મંદિરના ધોરણ-3ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં ભગવાન શ્રીરામના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીની સમગ્ર કથાને નાટ્યરૂપે રજૂ કરી સૌને રામાયણના પ્રસંગોથી પરિચિત કરાવ્યા હતા.
રામધૂન મોક્ષ ધૂન મંડળ દ્વારા છેલ્લા એક વર્ષથી દરરોજ બપોરે 2થી 6 વાગ્યા સુધી રામધૂન કરવામાં આવે છે. આ ઉપરાંત દર મહિનાની અગિયારસ અને અમાસના દિવસે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવે છે. મંડળની એક વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સરસ્વતી શિશુ મંદિરના ધોરણ-3ના વિદ્યાર્થીઓએ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. બાળકોએ ભગવાન શ્રીરામના જન્મ, બાળપણ, વનવાસ સહિતના પ્રસંગો અને અંતે રાજ્યાભિષેક સુધીની કથાને નાટકના માધ્યમથી જીવંત બનાવી હતી.
આ પ્રસંગે શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સરસ્વતી શિશુ મંદિરને રૂ. 51,000ની સહાય આપવામાં આવી હતી. ઉદયસિંહ જાડેજા અને જયદીપ વાળા મારફતે દિલુભા તરફથી રૂ. 51,000, પ્રવીણભાઈ ભાલોડિયા તરફથી રૂ. 5,000 તેમજ ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી રૂ. 5,000ની ભેટ આપવામાં આવી હતી. આમ, શાળાને કુલ રૂ. 1,12,000ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ પરિવાર) તરફથી શાળાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે થેલા, કંપાસ, પેન અને ચોપડા સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક ભાવના સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ પ્રસંગે રામધૂન, સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને સેવાકાર્યનો સમન્વય જોવા મળ્યો હતો.