લોન્ડ્રીનાં કપડાં લેવા જતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો
મોરબી : મોરબીના સરદારબાગ પાસે બોલેરો વાહન પાછળ બાઇક અથડાતાં વાઘપરામાં રહેતા 20 વર્ષના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાનના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગતો મુજબ, મોરબીના વાઘપરા વિસ્તારમાં શેરી નંબર 12માં રહેતા અંકિત પ્રવીણભાઈ ડાભી (ઉ.વ. 20) ગઈકાલે સાંજે આશરે પાંચ વાગ્યાના અરસામાં બાઇક લઈને જતો હતો. દરમિયાન સરદારબાગ પાસે તેની બાઇક બોલેરો વાહન પાછળ અથડાતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત અંકિતને 108 મારફતે મોરબીની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે, વધુ સારવારની જરૂરિયાતને પગલે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં તેનું મોત થયું હતું.
અકસ્મતનો ભોગ બનેલો અંકિત લોન્ડ્રીનું કામ કરતો હતો અને અકસ્માત સમયે લોન્ડ્રી માટે કપડાં લેવા જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બે ભાઈ અને બે બહેનના પરિવારમાં સૌથી નાનો હતો તેમજ તેના લગ્ન પણ થયા ન હતા. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવારજનોમાં શોક અને આક્રંદ છવાયો હતો.