Sunday - Oct 11, 2026

મોરબીની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ રાસની રમઝટ બોલાવી, માતાજીની કરી આરાધના

મોરબીની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ રાસની રમઝટ બોલાવી, માતાજીની કરી આરાધના

સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ 8થી 12ની વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન, ત્રણ કલાક સુધી ગરબાની રમઝટ જામી

મોરબી : નવરાત્રીના પર્વને આવકારવા અને માતાજીની ભક્તિ-આરાધના સાથે ઉત્સવની ઉજવણી કરવા મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ધોરણ 8થી 12ની વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને ગરબાના તાલે માતાજીની આરાધના કરી નવરાત્રીના રંગમાં રંગાઈ હતી.

શાળાના મેદાનમાં યોજાયેલા આ આયોજનમાં વિદ્યાર્થીનીઓએ સતત ત્રણ કલાક સુધી રાસ-ગરબા રમી ઉત્સવનો માહોલ સર્જ્યો હતો. ગરબાના અવનવા સ્ટેપ્સ સાથે વિદ્યાર્થીનીઓએ પોતાની કળા રજૂ કરી હતી. સંગીતના તાલે ગરબે ઘૂમતી દીકરીઓના ઉત્સાહથી સમગ્ર મેદાન નવરાત્રીના રંગે રંગાયું હતું.

વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગરબા દરમિયાન વિવિધ સ્ટેપ્સ રજૂ કરનાર વિદ્યાર્થીનીઓમાંથી વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી અને તેમને ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને પ્રમોદસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

મોરબીની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ રાસની રમઝટ બોલાવી, માતાજીની કરી આરાધના
મોરબીની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ રાસની રમઝટ બોલાવી, માતાજીની કરી આરાધના