Sunday - Oct 11, 2026

મોરબીના મહેન્દ્રનગરમાં મન્ચુરિયનની રેકડીએ બઘડાટી, ત્રણ ઘાયલ

મોરબીના મહેન્દ્રનગરમાં મન્ચુરિયનની રેકડીએ બઘડાટી, ત્રણ ઘાયલ

નાસ્તાનો માલ પૂરો થઈ જતાં શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, સામસામે મારામારી બાદ ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામમાં મન્ચુરિયનની લારી પાસે નાસ્તો લેવા ગયેલા યુવાનને માલ પૂરો થઈ ગયો હોવાનું જણાવતાં બોલાચાલી થઈ હતી. બાદમાં યુવાનનાં માતા-પિતા પણ ત્યાં વાતચીત કરવા પહોંચતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી થઈ હતી. આ બનાવમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગતો મુજબ, જાંબુડિયા ગામનો એક યુવાન મહેન્દ્રનગરમાં આવેલી મન્ચુરિયનની લારીએ નાસ્તો લેવા ગયો હતો. મોડી સાંજ થઈ ગઈ હોવાથી નાસ્તાનો માલ પૂરો થઈ ગયો હોવાનું લારીના સંચાલકના માણસે જણાવતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ યુવાનનાં માતા-પિતા પણ સ્થળ પર વાતચીત કરવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતાં મારામારી થઈ હતી.

આ બનાવમાં જાંબુડિયા ગામના દિનેશપરી હેમંતપરી ગૌસ્વામી (ઉં.વ. 55) અને રમાબેન દિનેશપરી ગૌસ્વામી (ઉં.વ. 45) તેમજ સામા પક્ષે મહેન્દ્રનગરમાં રહેતા આદિત્ય લલિતભાઈ ઓડ (ઉં.વ. 18)ને ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.