રાજકોટ રિજનલ વાયબ્રન્ટ સમિટને પગલે ટ્રાફિક નિયંત્રણો, ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર.
ટંકારા : રાજકોટમાં યોજાનારી રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2026 અને વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાફિક નિયંત્રણ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે હેતુથી તા. 11 જાન્યુઆરીથી પાંચ દિવસ માટે મિતાણા ચોકડીથી બેડી ચોકડી (રાજકોટ શહેર તરફ) ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ તા. 11થી 13 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી રિજનલ વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ તેમજ VIP/VVIP મહેમાનો હાજર રહેવાના હોવાથી આ નિર્ણય લેવાયો છે.
ભારે વાહનો માટે ત્રણ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ આવવા-જવા માટે મિતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર)–સીંધાવદર–કુવાડવા થઈ રાજકોટ-અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરી શકાશે. રાજકોટ આવવા-જવા માટે અમરસર ફાટક–સીંધાવદર–કુવાડવા–ગ્રીનલેન્ડ ચોકડી–આજીડેમ ચોકડી–ગોંડલ ચોકડી માર્ગ સૂચવાયો છે. જ્યારે ત્રીજો રૂટ મિતાણા ચોકડીથી પડધરી થઈ ઘટેશ્વર ટી-પોઈન્ટથી નવા 150 ફૂટ રીંગ રોડ મારફતે કટારીયા ચોકડીથી રાજકોટ શહેર તરફ જવાનો રહેશે.
આ જાહેરનામું તા. 11 જાન્યુઆરીના સવારે 8 વાગ્યાથી 15 જાન્યુઆરી રાત્રીના 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. સરકારી વાહનો, સબ વાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર તેમજ પૂર્વ મંજૂરી ધરાવતા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.