Friday - Apr 24, 2026

વર્ષોથી પીવાના પાણીની અનિયમિતતાથી પીડાતું મોરબીનું જુના સદુળકા ગામ

વર્ષોથી પીવાના પાણીની અનિયમિતતાથી પીડાતું મોરબીનું જુના સદુળકા ગામ

 મોરબીનું જુના સાદુળકા ગામ આમ તો પાકા ઇમારતોના મકાનોને આધુનિક બની ગયું છે. પણ વર્ષોથી આ ગામ પાણીના એક એક બુંદ માટે તરસી રહ્યું છે. એનું કારણ એ છે કે જ્યાંથી આ ગામને પાણી આપવામાં આવે છે. તે હાઇવેના સંપમાંથી વચ્ચેથી કોઈ ગામડાઓ પાણી લઈ લેતા હોય આ ગામને ઘણીવાર પાણી પહોંચતું જ નથી. વર્ષોથી ગ્રામજનો માટે પાણીની અનિયમિતતાની હૈયાહોળી છે. આથી હાઇવેના સંપમાં આવતા પાણીના કોઈ નેઠા જ હોવાથી પીપળીયા લાઈનમાંથી પાણી આપવાની વર્ષોની ગ્રામજનોની માંગણી અંધરતાલ જ રહી છે.

મોરબીના જુના સદુળકા ગામના લોકો કહે છે કે, તેમનું ગામ રાજાશાહી વખતથી અસ્તિત્વમાં છે. આ ગામમાંથી ઘણા લોકો જે તે વખતે નવા બનતા લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગર જેવા ગામોમાં સ્થળાંતર કરતા હાલ આ ગામમાં આશરે 700ની વસ્તી છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને મજુરી કામ છે. જૂની પેઢી એટલે 35થી 50 વર્ષની ઉંમરના 25 ટકા જ શિક્ષિત છે. પ્રાથમિક શાળા, લાઈટ, સફાઈ, સારા રોડ રસ્તા સહિતની સુવિધા ધરાવતા આ ગામમાં નાના બાળકોથી માંડીને 18 વર્ષ સુધીના એટલે મવી પેઢીમાં 95 ટકા શિક્ષણ છે અને સૌથી મોટું આ ગામને પાણીનું દુઃખ છે. કારણ કે, વર્ષોથી આ ગામથી થોડે દુર હાઇવે પર આવેલા સંપમાંથી પાણી આપવામાં આવે છે. પણ આ પાણીના કોઈ ઠેકાણા જ નથી. ઘણીવાર ગામમાં પાણી આવતું જ નથી. પહેલેથી આ ગામ ઉચાણમાં હોવાથી પાણી છાસવારે અનિયમિત રીતે આવે છે. તેમાંય આ સંપમાંથી પાણી વિતરણ થાય ત્યારે નિચાણવાળા ગામડાઓ પાણી ખેંચી લેતા અમારા ગામે પાણી આવતું ન હોય ગ્રામજનો પાણી માટે વર્ષોથી વલખા મારે છે. તેથી 8 નંબરના હાઇવે પરના સંપને બદલે પીપળીયાની પાઇપલાઇનમાંથી આ ગામને પાણી આપવા વર્ષોથી તંત્ર અને સરકાર  સમક્ષ માગણી કરી છે. પણ આ માગણીને હજુ સુધી ધ્યાને ન લેવાતા ગામલોકો પાણી માટે હજુ પણ ભારે સંઘર્ષ કરવા મજબુર બન્યા છે.

ગામમાં દવાખાનું જ ન હોવાથી ગામલોકનું આરોગ્ય રામભરોસે

જુના સાદુંળકા ગામના લોકોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, હવે શહેરો કરતા પણ ઘણા ગામોમાં બહેતર સુવિધાઓ છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આમરા ગામમાં મહત્વની એવી આરોગ્ય સુવિધાની આજે પણ કમી છે. એટલે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું જ ન હોવાથી ગ્રામજનો આરોગ્યની સેવા લેવા જાય તો ક્યાં જાય ? અને ઘણીવાર આરોગ્યની ઇમરજન્સી આવે ત્યારે એ દર્દીની સ્થિતિ નાજુક બની જાય છે અને આવા દર્દીને મોરબી ખસેડવામાં વિલંબ થતો હોય તેના જીવ ઉપર જોખમ ઉભું થાય છે. જો ગામમાં દવાખાનું હોય તો ગામલકોને પ્રાથમિક ઉપચારની તો કમસેકમ સેવા મળી રહે.