પાંચ પેઢીનું સુખ નિહાળનાર વૃદ્ધાને પરિવારજનોએ હર્ષ-વિષાદ વચ્ચે આપી અંતિમ વિદાય; મોટી સંખ્યામાં સ્વજનો જોડાયા
મોરબી : મોરબીમાં 106 વર્ષની વયે અવસાન પામેલા વૃદ્ધા માતાને પરિવારજનોએ અનોખી રીતે અંતિમ વિદાય આપી હતી. સદી વટાવીને એકદમ નિરોગી અને સંતોષભર્યું જીવન પૂર્ણ કરી હસીખુશી સાથે સ્વર્ગે સિધાવનાર વૃદ્ધાની અંતિમયાત્રા પરંપરાગત શોકમય માહોલને બદલે બેન્ડ-વાજાના સૂર સાથે વાજતે ગાજતે નીકળી હતી. પરિવારજનોએ આ વિદાયને જીવનના ઉત્સવ તરીકે મનાવી અને મોટી સંખ્યામાં સ્વજનો, સ્નેહીઓ તેમજ સમાજના લોકો અંતિમયાત્રામાં જોડાયને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા રોહીદાસપરા શેરી નં. 5 ખાતે રહેતા સામુંબેન પોપટભાઈ ચૌહાણનું 106 વર્ષની વયે અવસાન થતાં પરિવાર અને સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સદી કરતાં પણ વધુ આયુષ્ય પૂર્ણ કરનાર સામુંબેને જીવનના અંતિમ તબક્કે પોતાની અંતિમયાત્રા અંગે એક ખાસ ઇચ્છા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ પણ તેમની આ લાગણીને સર્વોપરી માની અંતિમ ઇચ્છા મુજબ બેન્ડ-વાજા સાથે અંતિમયાત્રા કાઢી તેમને ભાવભીની વિદાય આપી હતી.
પરિવારના જણાવ્યા મુજબ સામુંબેનનું જીવન સાદગી અને પારિવારિક મૂલ્યો સાથે વીત્યું હતું. તેમના નિધન બાદ પરિવારજનોએ શોક વચ્ચે પણ તેમની છેલ્લી ઇચ્છાનું સન્માન કરવાનો નિર્ણય લીધો હતો. બેન્ડ-વાજાના સૂર વચ્ચે નીકળેલી અંતિમયાત્રામાં પરિવારજનો, સગા-સંબંધીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર માહોલમાં એક તરફ વિયોગની વેદના હતી તો બીજી તરફ વૃદ્ધાની અંતિમ ઇચ્છા પૂર્ણ થઈ હોવાનો સંતોષ પણ જોવા મળ્યો હતો. 106 વર્ષની દીર્ઘ જીવનયાત્રા પૂર્ણ કરનાર સામુંબેનને અપાયેલી આ અનોખી અંતિમ વિદાયે આસપાસના વિસ્તારોમાં પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જીવનભર પરિવાર સાથે સંકળાયેલા રહેલા વડીલની અંતિમ ઇચ્છાને માન આપીને પરિવારે જે રીતે વિદાય આપી, તેને ઉપસ્થિત લોકોએ ભાવનાત્મક ક્ષણ તરીકે અનુભવી હતી.