મોરબીમાં સીરામીક ફેકટરીઓ દ્વારા વારંવાર કરચોરી મામલે જીએસટી ટીમના ઉપરાછાપરી દરોડા વચ્ચે આજે સવારથી જ મોરબી નજીક સીરામીક પેઢી ઉપર જીએસટીની ટિમ ત્રાટકી છે અને આ સીરામીક ફેકટરીમાં મોડે સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેવાનું હોવાથી મોટાપાયે બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાલર રોડ નવાગામ પાસે આવેલ આજવીટો નામની સીરામીક ફેકટરી ઉપર જીએસટીના અધિકારીઓના બે ગાડી સાથેના કાફલાએ આજે સવારે 11 વાગ્યાની આસપાસ દરોડો પાડ્યો હતો અને જીએસટીના અધિકારીઓએ આ ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરી ખાસ કરીને આ કંપનીના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવા બીલીગ સહિતની કામગીરી કરતા સ્ટાફની પૂછપરછ કરી કોમ્યુટર, ડિજિટલના સાધનો અને લેપટોપમાં સેવ કરીને રાખેલા તમામ હિસાબી સાહિત્યને ખંગાલ્યુ હતું. જેમાં કેટલાક હિસાબી સાહિત્ય વાંધાજનક લાગતા એ કબ્જે કર્યા છે. આ યુનિટમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેવાનું હોવાથી મોટાપાયે જીએસટી ચોરી બહાર આવે તેવી માહિતી મળી રહી છે.