Wednesday - Jul 22, 2026

મોરબીના કુબેરનાથ મંદિરના. પૂજારી વ્યાજના વિષચક્રમાં ફસાયા

મોરબીના કુબેરનાથ મંદિરના. પૂજારી વ્યાજના વિષચક્રમાં ફસાયા

માતા બીમાર હોવાથી સારવાર માટે તગડા વ્યાજે નાણાં લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો

મોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલા કુબેરનાથ મંદિરના પૂજારી વ્યાજના વિષચકમાં ફસાયા છે.આ પુજારીએ માતાની બીમારીની સારવાર માટે હોથલ ફાયનાન્સ નામની પેઢી ધરાવતા વ્યાજખોર પાસેથી 1 લાખ રૂપિયા દસ દિવસે 8000 વ્યાજની શરતે વ્યાજે લઇ બાદમાં સાત જ દિવસમાં મૂડી અને વ્યાજ સહિત 1.08 ચૂકવી દીધા છતાં પાંચ લાખનું વ્યાજ ચૂકવવા પૂજારીને ઓફિસે બોલાવી ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


મોરબીના ગ્રીનચોકમાં આવેલ કુબેરનાથ મંદિરની પૂજા કરતા પૂજારી ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના માતા બીમાર પડતા સારવાર માટે નાણાંની જરુરત હોવાથી મિત્ર મારફતે બે મહિના પૂર્વે ફરિયાદોએ હોથલ ફાયનાન્સ નામની પેઢી ચલાવતા આરોપી શિવમ રબારી નામના શખ્સ પાસેથી રૂપિયા 1 લાખ દર દસ દિવસે 8 હજાર ચુકવવાની શરતે વ્યાજે લીધા હતા. બાદમાં સાત દિવસમાં જ એક લાખ મુદલ અને 8 હજાર વ્યાજ પરત ચૂકવી દીધું હતું.
જો કે વ્યાજખોર શિવમ રબારીએ કુબેરનાથ મંદિરના પૂજારી ચિરાગભાઈને ફોન કરી ઓફિસે આવવા કહેતા રવાપર રોડ ઉપર સેલના પંપે ચિરાગભાઈ જતા જ આરોપી શિવમ રબારી, હીરા રબારી તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ ચિરાગભાઈએ વ્યાજ અને મુદલ પરત આપી દીધા હોવા છતાં પાંચ લાખ વ્યાજ માંગી ગાલ ઉપર ફડાકા ઝીકી લાકડી વડે બેફામ માર મારતા ચિરાગભાઈને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વ્યાજખોરીની આ ઘટનામાં ચિરાગભાઈએ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.