Wednesday - Jul 22, 2026

મોબાઇલની લૂંટ ચલાવી યુવાનની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

મોબાઇલની લૂંટ ચલાવી યુવાનની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

મોરબી નજીક યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં બે દિવસ પૂર્વે શ્રમિક યુવાનની હત્યા કરવાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. જેમાં પોલીસની તપાસમાં માળીયાના ત્રણ કુખ્યાત શખ્સોએ મોબાઈલ લૂંટીને યુવાનની હત્યા કર્યાનું ખુલ્યું છે. આથી પોલીસે આ ત્રણ શખ્સોને ઝડપી લઈ આરોપીઓ પાસેથી હત્યાનો ભોગ બનેલા યુવાનનો મોબાઈલ ફોન તેમજ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ કબ્જે કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા.

મોરબીના હરિપર કેરાળા ગામે આવેલ આઇકોલેક્સ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રસિંઘ લક્ષ્મણસિંઘ ઉ.વ 32 નામના યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. આ  કારખાનના લેબર કોન્ટ્રકટરના ભાઈ કરનસિંઘ પ્રથમસિંઘ નાયક રહે.જાંબુડિયા મૂળ રહે.રાજસ્થાનએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા મહત્વની કડીઓ મેળવી હત્યાના મૂળ સુધી પહોંચી હતી.જેમાં હત્યાને માળીયા મિયાણાના ત્રણ શખ્સોએ અંજામ આપ્યાનું સ્પષ્ટ બનતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે મોબાઈલ લૂંટવાના ઇરાદે આરોપી ઇસ્માઇલ સલેમાનભાઇ સખાયા,ઉ.20 રહે.માળીયા મિયાણા વાડા વિસ્તાર, અવેશ સુભાનભાઇ મોવર મિંયાણા ઉ.19, રહે. માળીયા ઇદ મસ્જીદ નજીક, માળીયા તેમજ આરોપી સાહિલ અબ્દુલભાઇ મોવર, ઉ.19 રહે.માળીયા વાડા વિસ્તાર વાળાને ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બાઈક સાથે પકડી પાડી મૃતકના મોબાઈલ ફોન સહિત કુલ ચાર મોબાઈલ ફોન સાથે દબોચી લીધા હતા.આ ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બાઈક તથા ફોરવ્હીલ ગાડી સાથે નીકળી મોરબીના અલગ અલગ ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રીના સમયે એકદ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાકધમકી આપી મોબાઈલ તથા રોકડ રકમ પડાવી લેવાની ટેવવાળા છે અને જો કોઇ મજુર તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હોવાનું જણાવ્યું હતું.