મોરબી મનપાના ડેપ્યુટી ચેરમેન દ્વારા તેમના વોર્ડ-6ના તમામ જ્ઞાતિ ધર્મના વિદ્યાર્થીઓનું અદકેરું સન્માન કરાયું
મોરબી : શિક્ષણની કોઈ જાતિ કે ધર્મ નથી અને પ્રતિભા કોઈ ભેદભાવ જોતી નથી તે સંદેશ સાથે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 6ના યુવા કોર્પોરેટર તથા ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા વોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાયો હતો. કેજીથી ધોરણ 12 સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.
શનાળા મેઈન રોડ પર સત્યમ પાનવાળી શેરી ખાતે આવેલી સિદ્ધિવિનાયક વાડીમાં સમારોહમાં વોર્ડના તમામ જ્ઞાતિ, ધર્મના વિદ્યાર્થીઓને માત્ર પ્રતિભા અને તેજસ્વીતાના કારણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ સન્માનિત કરી તેમની મહેનત, પ્રતિભા અને સિદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા જીવનમાં સતત મહેનત, શિસ્ત અને શિક્ષણને સફળતાનો આધાર બનાવી આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીની ઓળખ તેની જાતિ, જ્ઞાતિ કે ધર્મથી નહીં પરંતુ તેની પ્રતિભા, મહેનત અને સિદ્ધિથી થાય છે તેવો સકારાત્મક સંદેશ પણ સમારોહમાં જોવા મળ્યો હતો. આ તકે વિવિધ સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ભુપતભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, જયવંતસિંહ જાડેજા, અજયભાઈ કોટક, વિવેકભાઈ ગોલતર, ક્રિષ્નાબેન પરમાર, વિક્રમભાઈ વાંક, એન.એન. ભટ્ટ, અમૂલભાઈ જોષી, નિમેષભાઈ અંતાણી, મુકેશભાઈ પંચોલી, પી.પી. જોષી સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બિરદાવી તેમનો ઉત્સાહ વધારી વાલીઓ બાળકોને શિક્ષણ સાથે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રોત્સાહિત કરવા પર ભાર મુક્યો હતો.