Monday - Oct 05, 2026

મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ શરૂ

મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ શરૂ

11 ઓક્ટોબરથી ચાર રવિવારે બૂથ પર BLO મળશે

18-19 વર્ષના યુવાનો સહિત નોંધણીથી બાકી પાત્ર નાગરિકો માટે ખાસ ડ્રાઇવ

મોરબી : મોરબી જિલ્લામાં મતદારયાદીમાં નોંધણીથી બાકી રહેલા પાત્ર નાગરિકો તેમજ ૧૮-૧૯ વર્ષના યુવા અને પ્રથમ વખતના મતદારોની નોંધણી માટે ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી ખાસ મતદારયાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના દિશાનિર્દેશ મુજબ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં આ કામગીરી હાથ ધરાઈ છે.

ખાસ ઝુંબેશ અંતર્ગત ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો પર બૂથ લેવલ અધિકારી (BLO) સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી હાજર રહેશે. આ દરમિયાન મતદારયાદીમાં નામ ઉમેરવા સહિતના હક્ક-દાવા અને વાંધા અંગેની અરજીઓ સ્વીકારવામાં આવશે.

મતદારયાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા પાત્ર નાગરિકો તેમજ ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના પ્રથમ વખતના મતદારો જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે જઈ BLOનો સંપર્ક કરી શકશે. ‘મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦’ મુજબ નિયત ફોર્મ ભરીને નામ નોંધણીની કાર્યવાહી કરી શકાશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાયેલું છે કે નહીં તે ચકાસવા તેમજ નોંધણી બાકી હોય તો ખાસ ઝુંબેશનો લાભ લેવા જણાવાયું છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા યુવાનોને નિયત તારીખે પોતાના મતદાન મથકે પહોંચી જરૂરી કાર્યવાહી કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢા દ્વારા અપીલ કરવામાં આવી છે.