Monday - Oct 05, 2026

હળવદ નજીક કેનાલમાં કપડાં ધોતી વખતે પગ લપસ્યા બાદ ડૂબી જતાં મહિલાનું મોત

હળવદ નજીક કેનાલમાં કપડાં ધોતી વખતે પગ લપસ્યા બાદ ડૂબી જતાં મહિલાનું મોત

મોરબી : હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામની સીમમાં આવેલી માળિયા બ્રાન્ચ કેનાલમાં કપડાં ધોતી વખતે પગ લપસી જતાં ઊંડા પાણીમાં ડૂબી ગયેલી શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. ફાયર ટીમે પાંચ કલાકની ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.

મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશની વતની ૩૫ વર્ષીય નૂરીબેન ખેતમજૂરી માટે હળવદ આવ્યા હતા અને નવા માલણિયાદ ગામે ઘનશ્યામભાઈ ગંગારામભાઈ દલવાડીની કેનાલ કાંઠે આવેલી વાડીમાં મજૂરી કામ કરતા હતા. દરમિયાન નૂરીબેન કપડાં ધોવા માટે માળિયા બ્રાન્ચ કેનાલમાં ગયા હતા.

કપડાં ધોતી વખતે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં હળવદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. લગભગ પાંચ કલાકની ભારે જહેમત બાદ ફાયર જવાનોએ કેનાલમાંથી નૂરીબેનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.